શાળાઓને ચેલેન્જ, બાળકોને મોમો ચેલેન્જથી છોડાવોDecember 07, 2018

 પોલીસ, કલેકટર બાદ હવે શિક્ષણ નિયામકે રાજયભરના શિક્ષણધિકારીઓને કર્યો પરિપત્ર
રાજકોટ તા.7
બ્લ્યુ વહેલ અને મોમોગેમની ‘આદત’માં સપડાયેલ હજારો વિદ્યાર્થીઓને ગેમની લતમાંથી છોડાવવા ગુજરાતનું શિક્ષણતંત્ર મેદાનમાં આવ્યું છે. આ માટે શિક્ષણ નિયામકે રાજકોટ સહિત રાજયભરનાં શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી શાળાઓમાં બાળકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જોકે બ્લ્યુ વ્હેલ અને મોમો ગેમ રમવા ઉપર જે-તે જિલ્લાની પોલીસ અને જિલ્લા કલેકટર તંત્રએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી મનાઈ ફરમાવી છે. આમ છતા છાનાખુણે ગેમ રમવામાં આવતી હોવાની આંશકાના પગલે હવે શાળાઓમાં જ બાળકોને ગેમ અંગે જાગૃત કરવાનો નિર્ણય લેવાયો છે.
આજના મોબાઈલ-ટેકનોલોજીના યુગમાં કેટલીક ઓનલાઈન રમાતી ગેમ બાળકો, યુવાનો માટે જીવલેણ સાબીત થઇ હોવાના અનેક કિસ્સા નોંધાયા છે. જેમાં હવે વિવાદોમાં ઘેરાયેલી મોમો ચેલેન્જ ગેમ સંદર્ભે બાળકોમાં જાગૃતિ આવે એ માટે શાળાઓને તાકીદ કરાઈ છે. ઓનલાઈન રમાતી ગેમ કોઇ બાળકની જિંદગી ન લઇ લે એ માટે શિક્ષણ નિયામકના પત્રને આધીન શાળાઓને આદેશ કરાયો છે. તમામ શાળાઓને અનુલક્ષીને જાહેર કરેલા પરપિત્રમાં જણાવ્યા મુજબ, ઓનલાઈન રમાતી
ખતરનાક મોમો ચેલેન્જ રમતને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવાની માંગ કરાઈ છે. તે સંદર્ભે બાળકો, યુવાનોમાં લોકજાગૃતિ કેળવવા શાળાકક્ષાએ વિવિધ ઉપાયો કરવામાં આવે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.
વધુમાં સોશિયલ મીડીયાના માધ્યમથી ફેલાતી ખતરનાક મોમો ચેલેન્જ ગેમને સંપૂર્ણ પ્રતિબંધિત જાહેર કરવામાં આવે અને બાળકો તેનો ભોગ ન બને એ માટે લોકજાગૃતિ કેળવવામાં આવે એવી માંગ શિક્ષણ વિભાગ સમક્ષ કરાઈ હતી. જેને આધીન શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને પગલા લેવાનો આદેશ કર્યો હતો. શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને પત્ર લખીને બાળકોમાં જાગૃતિ માટેના પ્રયાસો કરવાની અપીલ કરી છે. માનસિક અસરને કારણે બાળકોને નુકસાન પહોંચે છે
કિશોર અવસ્થામાં બાળકો આવે ત્યારે તેઓમાં રીસ્ક ટેકીંગ બિહેવિયર હોય છે. એટલે કે સાહસ કરવાની વૃતિ હોય છે. આ સાયકોલોજીનો લાભ ઉઠાવીને આવી વિચિત્ર ગેમ બનાવવામાં આવે છે. મનોચિકિત્સકો દ્વારા જ આ પ્રકારની ગેમ બનાવવામાં આવે છે. તેમાં બાળક સોસાયટીની ધીરે ધીરે અલિપ્ત થઇ જાય છે. એટલું જીવન જીવે છે અને ખરાબ વર્તન કરે છે. આ સ્થિતિમાં બાળક પોતાનું કે અન્યનું નુકસાન કરી બેસે છે.
બાળકોને ઉગારવા માટે શિક્ષકોની મહત્વની ભૂમિકા
શાળામાં આવતા બાળકોના વર્તન, કાર્યશૈલી પરથી જ માનસિક તાણનો અંદાજ કાઢી શકાય છે. ઘણા કિસ્સાઓમાં શાળામાં આવતું બાળક અભ્યાસ અને મિત્રોથી અલિપ્ત થઇને એકલવાયું રહેતું હોય તે શિક્ષકોએ ખાસ કાળજી રાખવી જોઇએ આ પ્રકારની ઓનલાઈન ગેમ કે પછી અન્ય માનસિક સમસ્યાથી બાળકોને ઉગારવા માટે શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય વાલીઓએ પણ પોતાનું બાળક મિત્રો સાથે કે પછી વિવિધ પ્રકારની આઉટડોર - ઈનડોર ગેમમાં વધુ સક્રિય રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

 
 
 

Related News