‘એ’ અયોધ્યામાં બને છે રામમંદિર, નિર્વિરોધ...December 07, 2018

ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલી અયોધ્યા નગરીનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ ધરતી ભગવાન રામની જન્મભૂમિ ગણાય છે. વર્ષોથી અહીં રામ મંદિર અને બાબરી મસ્જીદ બનાવવાને લઇને વિવાદ છે. જો કે થાઇલેન્ડમાં બનેલી અયોધ્યા નગરીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. કદાચ અત્યાર સુધી તમે ઉત્તરપ્રદેશમાં આવેલી અયોધ્યા વિશે જ જાણતા હશો પરંતુ ભારત સિવાય થાઇલેન્ડમાં પણ એક અયોધ્યા નગરી આવેલી છે. આ અયોધ્યાને ભારતથી આવેલા લોકોએ વસાવી છે. દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત દેશ થાઇલેન્ડ ભલે ભારતની સીમાઓથી જોડાયેલા ન હોય પરંતુ આ દેશ હિંદુ ધર્મથી પ્રેરીત છે. અહીં રાજા રામને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. અહીં વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણને મહાકાવ્ય માનવામાં આવે છે. આ સ્થળ છોપ્રયા પાલાક અને લોબપુરી નદીની વચ્ચે આવેલું છે અને આ જગ્યાનું નામ ભારતની અયોધ્યાથી પ્રેરીત છે. આ સ્થળનું નામ અયુથ્થયા છે. જો તમે થાઇલેન્ડ ફરવા જવાના હો તો અહીંની અયોધ્યા અને આ મંદિર ચોક્કસ જોવા જજો. થાઇલેન્ડનું પ્રાચીન નામ સિયામ હતું. ઇ.સ.161ર સુધી સિયામની રાજધાની અયોધ્યા હતી. અહીંના સ્થાનિકો ત્યાંની ભાષામાં અયોધ્યાને અયુથ્થયા કહે છે. થાઇલેન્ડનો રાષ્ટ્રીય ગ્રંથ આજે પણ રામાયણ છે. જેને અહીંની થાઇ ભાષામાં ‘રામિકિન્ને’ કહેવાય છે. તેનો અર્થ થાય છે રામની કીર્તિ. થાઇલેન્ડમાં રામિકિન્ને આધારીત નાટક અને કઠપૂતળીઓના પ્રદર્શનને ધાર્મિક કાર્ય મનાય છે.