બાયડના કોંગ્રેસી ધારાસભ્યે 40 લાખની ખંડણી માગ્યાની ફરિયાદ

  • બાયડના કોંગ્રેસી ધારાસભ્યે 40  લાખની ખંડણી માગ્યાની ફરિયાદ

 માછીમારીના ઠેકેદારે ઓડિયો રેકોર્ડિંગ સાથે પોલીસને આપી લેખિત ફરિયાદ, સત્ય ચકાસાશે
હિંમતનગર તા,13
હિંમતનગર તાલુકાના હડીયોલ ગામના વ્યક્તિએ વાત્રક ડેમમાંથી માછીમારીનો ઇજારો લીધા બાદ શાંતિથી માછીમારીનો ધંધો કરવા દેવા માટે બાયડના કોંગ્રેસી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રૂ. 40 લાખની ખંડણી માગી હોવા અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અને ઓડીયો રેકોર્ડીંગ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
હસમુખભાઇ પટેલ ફીશરીઝનો ધંધો કરે છે અને વર્ષ 2017 ની સાલમાં વાત્રક ડેમનુ ટેન્ડર ભરતા સૌથી ઉંચુ ટેન્ડર હોઇ તેમને ઇજારો સોંપવામાં આવ્યો હતો અને તેઓ કામ ચલાવતા હતા.
2017 ની ચૂંટણીમાં બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર ચૂંટાઇ આવેલ કોંગ્રેસના ધવલસિંહ ઝાલાએ ગામ લોકોને ઉશ્કેરીને કામ બંધ કરાવી દીધેલું અને ‘તમારે શાંતિથી કામ કરવું હોય તો અમોને સાચવવા પડશે’ તેમ કહી સાચવવાના ભાગરૂપે રૂ. 40 લાખની ખંડણી માગી હોવાના ગંભીર આક્ષેપ સાથે હસમુખ મગન પટેલે ધારાસભ્યએ રૂ.40 લાખની કરેલ માગણીવાળુ કથિત ઓડીયો રેકોર્ડીંગ પણ એ ડિવિઝન પોલીસને ફરિયાદની સાથે સોંપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ઓડીયો
ક્લીપની સત્યાર્થતા એફએસએલ દ્વારા પ્રસ્થાપિત થશ,ે જે દૂરની વાત છે, પણ ધારાસભ્ય વિરુદ્ધ ખંડણી માંગવાના થયેલ આક્ષેપને પગલે બંને જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
‘હું એસીબીમાં પણ ગયો હતો’
બાયડ ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરનાર હસમુખભાઇ મગનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે આ અંગે મે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં એસીબીમાં જવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ એસીબી દ્વારા જણાવાયુ હતુ કે આ પૈસા વસૂલવાનો આક્ષેપ છે જેથી ફોજદારી કેસ બને છે તમારે ફરિયાદ કરવી પડશે એટલા માટે મેં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. ‘ફરિયાદી જુઠ્ઠો છે : એમએલએ’
આ શખ્સ ખોટી ફરિયાદો કરવા ટેવાયેલો છે. અગાઉ પણ તેણે એક અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેણે ટેન્ડરની શરતો મુજબ ઇન્સ્ટોલમેન્ટ ભરેલ ન હોવાથી સંકલનની મિટિંગમાં પણ મે રજૂઆત કરી હતી .અગાઉ તેના ટ્રેક્ટર પણ પકડાયેલા છે સ્થાનિક મંડળીના ગરીબ રોજમદારોને રોજગારી મળે તે માટે હું પ્રયાસો કરી રહ્યો હતો અને તેનું ટેન્ડર રદ થયું છે જેથી ખોટી ફરિયાદો કરતો ફરી રહ્યો છે તેવું ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતુ.