રાજકોટ જિલ્લામાં 9019 ખેડૂતો પાસેથી 1.83 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદીDecember 08, 2018

મગફળીનો જથ્થો 177 ગોદામમાં મોકલાયો, સરકાર દ્વારા 10.85 કરોડ ચૂકવાયા રાજકોટ તા,8
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કરવામાં આવેલા નિર્ણયને પગલે રાજકોટ જિલ્લામાંથી એજન્સી મારફત ખેડૂતો પાસેથી મગફળીનો જથ્થો પુરજોશમાં ખરીદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 9019 ખેડૂતો પાસેથી 183693.6 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં માત્ર 8 ખેડૂતોનો જથ્થો ગુણવત્તોના માપદંડોના આધારે નાપસંદ થયો છે.
રાજકોટ જિલ્લામાંથી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં જોડાનાર ખેડૂતોની સંખ્યા અંગે પુરવઠા નિગમ પાસેથી પ્રાપ્ત આંકડાઓ મુજબ ધોરાજીના 875, ગોંડલના 911, જામકંડોરણાના 1158, જસદણના 621, જેતપુરના 841, કોટડા સાંગાણીના 819, લોધિકાના 763, પડધરીના 749, રાજકોટ તાલુકાના 788, ઉપલેટાના 1081 અને વિંછીયાના 413 ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આમ, જિલ્લામાં કૂલ 9019 ખેડૂતો પાસેથી મગફળી ખરીદ કરવામાં આવી છે.
ખેડૂતોને તેમની મગફળીની રકમ પણ રાજ્ય સરકાર દ્વારા બનતી ત્વરાથી ચૂકવવામાં આવી રહી છે. અત્યાર સુધી રૂ.10,85,67,450 એટલે કે 10.85 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. એક રસપ્રદ બાબત એ છે કે રાજ્યમાં ખરીદ કરવામાં આવેલા મગફળીના કૂલ જથ્થા પૈકી 30 ટકા જથ્થો રાજકોટ અને મોરબી જિલ્લામાંથી ખરીદ કરવામાં આવ્યો છે.
મગફળી ખરીદીમાં આ વખતે ચારચૌબંદ વ્યવસ્થા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ ખરીદીનું કેમેરામાં રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. મગફળની ગુણવત્તા બે વખત ચકાસવામાં આવી રહી છે. ખરીદી કરેલી મગફળીને ગોદામમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 177 ગોદામમાં મગફળીનો જથ્થો મોકલવામાં આવ્યો છે.