તુવેરમાં ભેળસેળ: માટી-કાંકરાં નીકળતા ગોદામને સીલ કરાયું

  • તુવેરમાં ભેળસેળ: માટી-કાંકરાં નીકળતા ગોદામને સીલ કરાયું

રાજકોટનો વેપારી માણાવદર ખરીદી કરવા ગયો હતો ! રાજકોટ, તા. 8
રાજકોટમાં મગફળીમાં માટી-ધૂળની ભેળસેળ-આગજનીના કૌભાંડનું ભૂત હજુ ધુણે છે ત્યાં તુવેરની ટેકાના ભાવે ખરિદીમાં રાજકોટનો વેપારી માણાવદરના ગોદામમાં તુવેર ખરીદ કરવા ગયો ત્યારે બોરીમાંથી માટી-ઢેફા નિકળી પડતા અને આ મુદ્દે ફરિયાદ કરતાં પુરવઠા સહિતના અધિકારીઓ દોડી ગયા હતાં. અને ગોદામને સીલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળેલ છે. રાજકોટના વેપારી દિપકભાઈ નથવાણી દ્વારા તુવેરની 85 ટન ખરિદી કરવા ઓનલાઈન ઓફર કરી હતી અને 35 લાખની રકમ ભરી દીધી હતી.
ખરિદી સમયે બતાવેલો જથ્થો બરોબર હતો પરંતુ 15 દિવસ બાદ માણાવદરની કુલદિપ મિલીંગમાં સંગ્રહ કરાયેલ જથ્થાની ડિલીવરી લેવા જતા સમયે આ વેપારીઓ તુવેરની બોરી ખોલાવી તપાસ કરતા જથ્થામાં માટી અને કાકરાની ભેળસેળ નજરે ચડતા ચોંકી ઉઠયા હતા અને તુરંત જ અધિકારીઓને ફરિયાદ કરી હતી. અને જથ્થો ખરિદવાનો ઈન્કાર કરી દિધો હતો. આ ઉપરાંત તમામ પુરાવાઓ પણ નાફેડના અધિકારીઓ સમક્ષ રજુ કર્યા હતાં.
દરમ્યાન તુવેરની ખરીદી કરનાર વેપારીની ફરિયાદ-પુરાવાથી ચોંકી ઉઠેલા પુરવઠા-નાફેડના અધિકારીઓ ગોદામમાં દોડી ગયા હતા અને તત્કાલ તપાસ હાથ ધરી ગોદામને સીલ કરી દીધુ હતું. રાજય સહિત દેશભરમાં રાજકોટની મગફળી ભેળસેળના ચકચારી બનેલા કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો સમી ગયા હતા ત્યાં તુવેરમાં માટી-કચરાની ભેળસેળ બહાર આવતાં ભારે ચકચાર જાગી છે.