10 ટિપરવાનમાં ભીનો-સૂકો કચરો ભેગો, એજન્સીને ર000નો દંડDecember 08, 2018

કચરાના વર્ગીકરણ માટે એજન્સીની જવાબદારી ફિક્સ કરતા કમિશનર રાજકોટ તા.8
સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત ભારતના પ00 શહેરો વચ્ચે સ્વચ્છતાની સ્પર્ધા યોજાય છે. આગામી જાન્યુઆરી માસમાં કેન્દ્રની ટીમ દ્વારા દરેક શહેરનો સર્વે કર્યા બાદ રેન્કીંગ આપવામાં આવનાર છે ત્યારે રાજકોટ મહાનગરપાલીકાએ છેલ્લા ર0 દિવસથી શહેરભરમાં સઘન સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મનપાના 1100 કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સ્વચ્છતા અંગેની માહિતી આપવાની કામગીરી હાથ ધરાય છે. જ્યારે ભીનો-સુકો કચરો અલગથી લેવા માટે ટીપરવાન ચાલકોને સુચના અપાઇ છે છતા ચાલકોની બેદરકારીના કારણે ભીનો અને સુકો કચરો એક જ ખાનામાં ઠલવાતો હોવાનું ધ્યાનમાં આવતા મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ ચેકીંગ હાથ ધરતા 10 ટીપરવાનમાં એકજ ખાનામાં ભીનો-સુકો કચરો જોવામાં આવતા એજન્સીને રૂા.ર000 નો દંડ ઠપકારી કચરો અલગ રાખવાની જવાબદારી એજન્સી ઉપર ઢોળી દેવામાં આવી છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકાએ તમામ વિભાગમાંથી છટણી કરી 1100 કર્મચારીઓની ફોજ સફાઇ અભિયાનમાં ઉતારી છે. કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર લોકોને સ્વચ્છતા અંગેની જાણકારી આપવા તેમજ ભીનો અને સુકો કચરો અલગથી એકઠો કરવા સહિતની કામગીરી શરૂ કરાઇ છે પરંતુ લોકો દ્વારા અલગ-અલગ રાખવામાં આવેલ કચરો ટીપરવાનમાં એક જ ખાનામાં નખાતો હોવાની ફરીયાદ આવતા 1100 કર્મચારીઓની મહેનત પાણીમાં જતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું ત્યારે મ્યુનિ. કમિશ્નરે પર્યાવરણ વિભાગના અધિકારીઓને દરેક ટીપરવાનનું ચેકીંગ કરવાની સુચના આપી હતી. ગત સપ્તાહે રૈયા ગાર્બેજ સ્ટેશન ખાતે અનેક ટીપરવાનમાંથી પ્લાસ્ટીકના ઝબલામાં ભરેલ ભીનો કચરો ઝડપાયો હતો. ત્યારબાદ દરેક ટીપરવાનનું કડક ચેકીંગ હાથ ધરાતા છેલ્લા બે દિવસમાં 10 થી વધુ ટીપરવાનમાં ભીનો-સુકો કચરો એક જ ખાનામાં નખાતો હોવાનું પર્યાવરણ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું.
સ્વચ્છ સર્વેક્ષણમાં ગત વર્ષે રાજકોટ મહાનગરપાલીકાનો 3પ મો ક્રમાંક આવતા કમિશ્નર ચોંકી ઉઠયા હતા અને સ્વચ્છતામાં કઇ જગ્યાએ ઉણપ રહી ગઇ છે તેની તપાસ કરતા ઘરેઘરેથી ઉઘરાવવામાં આવતો ભીનો અને સુકો કચરો અલગ કરવાની કાર્યવાહી થતી ન હોવાનું ધ્યાનમાં આવેલ અને તેના કારણે જ માર્ક ઓછા આવતા ક્રમાંક 3પ ઉપર પહોચી ગયો હતો. પરીણામે ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ શહેરના ક્રમાંકની જાહેરાત થાય તે પહેલા શહેરભરમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરી ડોર ટુ ડોર એકત્રીત કરવામાં આવતા ભીના અને સુકા કચરાનું વર્ગીકરણ ફરજીયાત કરવાનો નિયમ અમલમાં મુકયો છે. ભીનો-સુકો કચરો અલગ લેવાની જવાબદારી ટીપરવાન ચાલકોને સોપવામાં આવી છે. હાલ શહેરીજનો બંને જાતનો કચરો અલગ ડસ્ટબીનમાં એકઠો કરતા હોવાનું કર્મચારીઓના સર્વેમાં બહાર આવ્યા બાદ ટીપરવાનમાં આ કચરો ભેગો નખાતો હોવાનું બહાર આવતા કમિશ્નરે ટીપરવાન ચાલકોની જવાબદારીની સાથોસાથ કચરાના વર્ગીકરણની જવાબદારી ટીપરવાન એજન્સીને સોપી દેવામાં આવી છે. જે અંતર્ગત હવે પછી એકપણ ટીપરવાનમાંથી ભીનો અને સુકો કચરો એકસાથે નીકળશે તો એજન્સીને દંડ ફટકારવામાં આવશે તેમજ વધુ વખત કસુરવાન થયેલ એજન્સીને બ્લેક લીસ્ટ મુકવાની પણ કમિશ્નરે ચીમકી આપી છે.

 
 
 

Related News