કાશ્મીર: ખીણમાં બસ ખાબકી, 11 મુસાફરોનાં મોત, 19 ઘાયલDecember 08, 2018

 મૃતકાંક વધવાની સંભાવના: બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો
કાશ્મીર તા,8
જમ્મુ-કાશ્મીરના પુંછમાં જીલ્લાના મંડી તાલુકામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પુંછથી મંડી તરફ જતી એક બસને ભિષણ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા છે જ્યારે 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.
પૂંછથી લોરન જઈ રહેલી મુસાફરો ભરેલી બસ આજે સવારે મંડી તાલુકાના એક સ્થળે દુર્ઘટનાનો શિકાર બની હતી. બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ઉંડી ખીણમાં ધડાકાભેર ખાબકી હતી. જેમાં 11 મુસાફરોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. બચાવકામગીરી કરી રહેલા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં મૃતાંક હજી પણ વધે તેવી શક્યતા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણ બસનો રજિસ્ટ્રેશન નંબર જેકે-02-ચ-0445 છે. પોલીસ દુર્ઘટનાની તપાસ કરી રહી છે. ગઇકાલે કિશ્તવાડમાં એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા.