મુમુક્ષાઓને અંતિમ વિદાય: માતા-પિતાનું પૂજન અને પ્રદક્ષિણા

  • મુમુક્ષાઓને અંતિમ વિદાય: માતા-પિતાનું પૂજન અને પ્રદક્ષિણા
  • મુમુક્ષાઓને અંતિમ વિદાય: માતા-પિતાનું પૂજન અને પ્રદક્ષિણા
  • મુમુક્ષાઓને અંતિમ વિદાય: માતા-પિતાનું પૂજન અને પ્રદક્ષિણા
  • મુમુક્ષાઓને અંતિમ વિદાય: માતા-પિતાનું પૂજન અને પ્રદક્ષિણા

 માતૃ-પિતૃ વંદના કરી સંસારને અલવિદા કરતા દ્રશ્યોએ હજારો આંખો ભીની કરી: મુમુક્ષુઓના પ્રવેશના વધામણાં લુક એન લર્નના બાળકોએ ટ્રેનના પ્રતિક સાથે કર્યા: મુમુક્ષુએ પોતાના ચરણ અને હસ્તની પ્રતિક ભેટ આપી
રાજકોટ તા.8
દીક્ષા દાનેશ્ર્વરી રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ ચરણ-શરણમાં આજીવન શરણાધિન બનીને સંયમી બનવા જઈ રહેલાં મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાળાનો સાત દિવસથી ચાલી રહેલો દીક્ષા મહોત્સવ એના અંતિમ ચરણ પર પહોંચી ગયો છે ત્યારે રાજકોટના હજારો હૃદયના ધબકાર મુમુક્ષુઓના કલ્યાણ દાનની ઘડીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.
માત્ર એકજ દિવસ બાદ મુમુક્ષુઓને સંસાર સાગરથી તારીને લઈ જનારા તારણહારા પૂજ્ય ગુરૂ ભગવંતના પધારતા જ સાતમા દિવસના શ્રી સંઘપતિ રેખાબેન છબીલદાસ શાહ પરિવાર દ્વારા અત્યંત અહોભાવ પૂર્વક સ્વાગત વધામણાં કરવામાં આવ્યાં હતાં. શ્રી સંઘપતિ પરિવારનાં બહુમૂલ્ય સન્માન કરતાં એમને ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરીને સત્કારાયા હતાં.
ડુંગર દરબારમાં વ્યતીત થતી એ દિવ્ય ક્ષણો પણ થંભી ગઈ હતી જ્યારે, શામિયાણામાં પ્રવેશ કરનારા બંને મુમુક્ષુ આત્માઓને લુક એન લર્નના દીદીઓ દ્વારા 22 પરિષહ રૂપી 22 કમ્પાર્ટમેન્ટની ટ્રેનના પ્રતિક સાથે અત્યંત અહોભાવ પૂર્વક પ્રવેશ વધામણાં કરાવવામાં આવ્યા હતાં. આ અવસરે આયોજિત કરવામાં આવેલ માતૃ-પિતૃ વંદનાના કાર્યક્રમ અંતર્ગત દીક્ષાની અનુમતિ આપીને પરમ પરમ ઉપકાર કરનારા એવા ઉપકારી માતા- પિતા પ્રત્યે દીક્ષાર્થીઓએ અત્યંત અહોભાવપૂર્વક ઉપકારની અભિવ્યક્તિ કરી હતી. દીક્ષાર્થીઓએ માતા - પિતાના ચરણનું પ્રક્ષાલન કરી, કેસર જળથી એમનું હૃદયથી ભાવપૂર્વક પૂજન કર્યું હતું. ગદગદ થતાં હજારો હૃદયની સાક્ષીએ માતા - પિતાના ચરણપૂજન બાદ દીક્ષાર્થીઓએ અત્યંત વિનમ્રભાવે અર્પણ કરેલી માતા - પિતાની પ્રદક્ષિણા વંદનાએ ઉપસ્થિત દરેકને અંજલિબધ્ધ અને નત મસ્તક કરી દીધાં હતાં.
એટલું જ નહીં પરંતુ, સંસારથીવિદાય લેતાં પહેલાં...માતા પિતાનું આંગણું સદાને માટે છોડતાં પહેલાં મુમુક્ષુ બહેનોએ અત્યંત સ્નેહભાવથી માતા-પિતાનેપોતાના હસ્ત અને ચરણનાં પ્રતિકની ભેટ આપતાં જાણે અનેકો અનેકોની આંખોમાં આંસુઓનો દરિયો છલકાઈ ગયો હતો. આ અવસરે ઉપકારીઓ પ્રત્યેેના ઉપકારભાવનું મહત્વ દર્શાવતા રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ કહ્યું હતું કે, આ જીવનમાં કોઈ સંસ્કાર દેનારા ઉપકારી હોય છે, કોઈ દેહના ઉપકારી હોય છે તો કોઈ આત્માના ઉપકારી હોય છે. તે દરેકે દરેક ઉપકારી પ્રત્યે જ્યાં જ્યાં ઉપકારભાવ આવે છે ત્યાં ત્યાં વિનયભાવ લાવવાનો પ્રયત્ન કરવો નથી પડતો પરંતુ વિનયભાવ અંદરમાંથી પ્રગટ થઈ જ જતો હોય છે. આ અવસરે સ્વજન,પરિવાર,સ્નેહીનો અને માતા-પિતા પ્રત્યે ક્ષમાયાચના અને ઉપકારભાવની અભિવ્યક્તિ કરતાં મુમુક્ષુ શ્રી ઉપાસનાબેને સહુને લાગણી અને રાગના બંધનોથી મુક્ત થઈને તરી જવાનો બોધ આપીને દરેક ક્ષણ અને દરેક પળ જીવનની શાસનસેવા અને ગુરુસેવામાં વ્યતીત થઈ શકે તેવા સામર્થ્ય પ્રાપ્તિના આશીર્વાદની યાચના કરી હતી. આ અવસરે મુમુક્ષુ શ્રી આરાધનાબેને પણ દરેક સ્વજન, પરિવાર, સ્નેહીજન અને ગુરુજનો પ્રત્યેેની ક્ષમાયાચના અને ઉપકારભાવની અભિવ્યક્તિ કરતાં ભાવવાહી શૈલીમાં વિદાય પ્રવચન આપવામાં આવ્યું હતું. આરાધનાબેને સહુ સ્નેહીજનોને સંસારની વ્યર્થતા સમજાવીને સંયમ જીવનની પ્રેરણા આપી હતી. કાલે મુમુક્ષુઓને આશીર્વાદ આપવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ પધારશે દીક્ષા દાનેશ્ર્વરી રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ -શરણમાં આજીવન સમર્પિત થઈને દીક્ષા અંગિકાર કરવા જઈ રહેલાં મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રીઆરાધનાબેન ડેલીવાળાનો શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ કાલે સવારે 08.00 આયોજિત કરવામાં આવ્યો છે. મહોત્સવના અંતિમ દિને રવિવાર સવારના 07:30 કલાકે દીક્ષાર્થીઓના સંસારને અલવિદા કરતી  મહાભિનિષ્ક્રમણ યાત્રાનો પ્રારંભ શ્રી ગૌતમભાઈ નવીનચંદ્ર પટેલના નિવાસ સ્થાન-આદિત્ય પ્લસ એપાર્ટમેન્ટ, ફન વર્લ્ડની સામેની ગલી, બહુમાળી ભવનની પાછળ, શ્રોફ રોડથી કરવામાં આવશે. સંસારના રંગીન વસ્ત્રોમાં અંતિમવાર સજ્જ થઈને રથ પર સવાર થયેલાં દીક્ષાર્થીઓની શોભતી આ મહાભિનિષ્ક્રમણ યાત્રા સવારના 8:00 કલાકે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર વિરામ પામશે. રેસકોર્સ ગ્રાઉન્ડના વિશાળ પટાંગણમાં રચાયેલા સંયમ સમવસરણમાં અનેક સંતો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહાસતીજીવૃંદ, અનેક અનેક ક્ષેત્રોના શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો, શ્રી સમસ્ત સંઘોના મહિલા મંડળો, મિશન્સના ભાવિકોની સાથે દેશ-વિદેશથી પધારેલાં 20 હજારથી પણ વધારે ભાવિકોની ઉપસ્થિતિ રહેશે. રાજકોટના જૈન સમાજની આ અવિસ્મરણીય પળોમાં સહભાગી થઈને મુમુક્ષુ બહેનોને આશીર્વાદ તેમજ શુભેચ્છા આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી વિશેષ રૂપે પધારશે. જીવનને ધન્ય બનાવી દેનારા દીક્ષા મહોત્સવના આ દિવ્ય અવસરમાં પધારવા દરેક દરેક ધર્મપ્રેમી ભાવિકોને ભાવભીના આમંત્રણ આપવામાં આવ્યાં છે. સમગ્ર કાર્યક્રમ સંયમ સમવસરણ, રેસકોર્ષ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.