મનપાના 3800 કર્મચારીઓને મળશે એરિયર્સનો બીજો હપ્તોDecember 08, 2018

 રૂા.8 કરોડનું ભારણ ઘટાડવા એક હપ્તો વધે એવી સંભાવના
 કર્મચારી મંડળની રજૂઆતના પગલે જાન્યુઆરીમાં ચૂકવવાની ખાત્રી
રાજકોટ તા,8
રાજય સરકાર દ્વારા સાતમા પગાર પંચનો લાભ તમામ સરકારી કર્મચારીને એપ્રિલ માસથી લાગુ કર્યાની જાહેરાત કર્યા બાદ રાજકોટ મહાનગરપાલીકામાં તેની સપ્ટેમ્બર માસથી અમલવારી થતા કર્મચારીઓને ત્રણ માસનું એરીયર્સ ચુકવવાનું બાકી હતું. ત્યારે ગત નવેમ્બર માસમાં એરિયર્સનો પ્રથમ હપ્તો ચુકવ્યા બાદ આગામી જાન્યુઆરીમાં બાકીનું એરીયર્સ ચૂકવવામાં આવશે. એમ તંત્રએ જણાવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના કલાસ વનથી ફોર સુધીના 3800 કર્મચારી અને અધિકારીઓને સાતમા પગાર પંચનો લાભ સપ્ટેમ્બર માસના પગારથી મળવા લાગેલ પરંતુ રાજય સરકારના પરિપત્ર મુજબ મહાપાલિકાએ ત્રણ માસ મોડી અમલવારી શરૂ કરતા ત્રણ માસનું પગારનું એરિયર્સ ચૂકવવાનું બાકી રહેતું હતું. ત્યારે કર્મચારી મંડળની રજૂઆતના પગલે મહાપાલિકાએ બે હપ્તામાં એરિયર્સ ચૂકવવાની ખાત્રી આપી નવેમ્બર માસમાં એરિયર્સના પ્રથમ હપ્તાની ચૂકવણી કરી હતી. ત્યારબાદ બીજો હપ્તો કયારે અપાશે તેની જાણ નહી હોવાની કર્મચારી મંડળ દ્વારા ફરીવાર રજુઆત કરવામાં આવેલ ત્યારે મનપાએ આગામી જાન્યુઆરી 2019માં એરિયર્સના બીજા હપ્તાની ચૂકવણી કરવાની ખાત્રી આપી છે.
મનપાના કર્મચારી મંડળના જણાવ્યા મુજબ સાતમાં પગાર પંચની અમલવારીમાં તંત્રએ ઢીલ કરતા ત્રણ મહિનાના પગારનું એરિયર્સ ચડત થયેલ અને કર્મચારીઓ દ્વારા એરિયર્સ ચૂકવવાની બુલંદ માંગ ઉઠતા જેતે સમયે મનપાની આર્થિક હાલતનું બહાનું આગળ કરી એરિયર્સ ચૂકવવાની વિવશત બતાવેલ પરંતુ દિવાળીનો તહેવાર હોવાના કારણે અંતે તંત્રએ બે હપ્તામાં એરિયર્સની ચૂકવણી કરવાની ખાત્રી આપી નવેમ્બરમાં પ્રથમ હપ્તાની ચૂકવણી કરી હતી. મહાપાલિકાએ નવેમ્બર માસમાં એરિયર્સના પ્રથમ હપ્તા પેટે રૂા. 4 કરોડનું ચુકવણું કર્યા બાદ બીજો હપ્તો કયારે મળશે તેની જાણકારી નહી અપાતા કર્મચારી મંડળની રજૂઆતના પગલે બીજો હપ્તો જાન્યુઆરીમાં આપવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
મનપાની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કર્મચારી મંડળે જણાવેલ કે મનપાના 3800થી વધુ કર્મચારીઓને પ્રથમ હપ્તો ચૂકવતા 4 કરોડનો ખર્ચ ગયો છે તો બાકીના બે પગારનું એરિયર્સ એક સાથે નહી આપી શકાય ત્યારે તંત્રએ ત્રીજા હપ્તાની જોગવાઈ કરી જાન્યુઆરીમાં એક સાથે બે પગારનું એરિયર્સ ચૂકવવાના બદલે બીજા હપ્તામાં એક પગાર અને ત્રીજો હપ્તો ફેબ્રુઆરી માસમાં ચૂકવી દેવો જોઇએ અને તેના માટે જાન્યુઆરીમાં એરિયર્સનો બીજો હપ્તો ચૂકવાયા બાદ ફેબ્રુઆરીમાં ત્રીજો હપ્તો ચૂકવવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 
 
 

Related News