જસદણમાં પ્રચાર માટે ભાજપે 35 નેતાઓની ફોજ ઉતારી દીધીDecember 08, 2018

 ભીખુભાઇ, આઇ.કે., ઝડફિયા સહિત ભાજપના જૂના જોગીઓ પણ મેદાને
રાજકોટ તા.8
જસદણ ધારાસભાની પેટા ચૂંટણીનો જંગ જીતવા ભાજપે તમામ તાકાત કામે લગાડી દીધી છે. અગાઉ જસદણમાં અનેક વિકાસકામો શરૂ કરાવ્યા બાદ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો તેમજ આ તાલુકામાં મતદારોને રીઝવવા ગુજરાતભરમાંથી ડાર્ક ઝોન ઉઠાવી લીધો હતો. આમ છતા પરીસ્થિતિ પાતળી દેખાતા હવે એક બેઠકની પેટા ચૂંટણી જીતવા માટે 3પ પ્રચારકોનો કાફલો જસદણમાં ઉતારી દીધો છે. આ કારણે સોમવારથી જસદણના વિવિધ વિસ્તારોમાં પડાવ નાખી ભાજપનો પ્રચાર કરનાર છે.
ભાજપે જાહેર કરેલી પ્રચારકોની સતાવાર યાદીમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત આખી કેબીનેટ, ત્રણ કેન્દ્રીય પ્રધાનો, સાત સાંસદો, પ્રદેશ પ્રમુખ સહિતના ટોચના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જસદણમાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો સ્મૃતિ ઇરાની, પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવીયાને મેદાનમાં ઉતારાયા છે.
જસદણ મત વિસ્તારમાં જે ગામડાઓમાં જે જ્ઞાતિના મતદારો વધારે હોય તે જ્ઞાતિના પ્રધાન કે નેતાને જવાબદારી સોપવામાં આવેલ છે. ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નામ પણ પ્રચારકની યાદીમાં સામેલ કરાયું છે. જ્યારે ભાજપના વ્યુહરચનાના માહિર ભીખુભાઇ દલસાણીયા, ગોરધન ઝડફીયા, આઇ.કે. જાડેજા, ભરત પંડયા વગેરેને પણ પ્રચારની જવાબદારી સોપવામાં આવી છે.
આ તમામ પ્રચારકો આગામી સોમવારથી ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધીમાં જસદણ મત વિસ્તારનું એક એક ગામડુ ખુંદી વળનાર છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા જસદણમાંથી અગાઉ પાંચ વખત ચૂંટણી જીત્યા છે અને હાલ કેબીનેટ મંત્રી છે છતા તેને જીતાડવા આટલી મોટી ફોજ ઉતરી પડી છે. તેના પરથી ભાજપને અંદરખાને કોઇ ભય હોય તેવું સ્પષ્ટ થાય છે.
35 પ્રચારકોની યાદી
વિજયભાઇ રૂપાણી સીએમ, જીતુભાઇ વાઘાણી પ્રદેશ પ્રમુખ, પરસોતમભાઇ રૂપાલા, નીતિનભાઇ પટેલ, ભીખુભાઇ દલસાણીયા, આઇ.કે. જાડેજા, ગોરધનભાઇ ઝડફીયા, સ્મૃતિ ઇરાની, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રણછોડભાઇ ફળદુ, મનસુખભાઇ માંડવીયા, શંભુનાથ ટુંડીયા, સૌરભભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા, મોહનભાઇ કુંડારીયા, ભરતભાઇ પંડયા, રમણભાઇ વોરા, શંકરભાઇ ચૌધરી, બાબુભાઇ જેબલીયા, હીરાભાઇ સોલંકી, ભારતીબેન, દેવજીભાઇ ફતેપરા, પરેશ રાવલ, નારાયણભાઇ કાછડીયા, વસનભાઇ આહીર, વિભાવરીબેન દવે, ઇશ્ર્વરસિંહ પટેલ, આર.સી.પટેલ, ધનસુખભાઇ ભંડેરી, નરેશ કનોડીયા, હીતુભાઇ કનોડીયા, કિરીટસિંહ રાણા, ભરતભાઇ બોઘરા, સંકરભાઇ વેગડ.