રાંદરડામાં 300 છાત્રોનું સફાઈ અભિયાનDecember 08, 2018

તળાવમાં કાદવમાંથી 20 ટ્રેક્ટર
પ્લાસ્ટિક સહિતનો કચરો નીકળ્યો
રાજકોટ તા,8
સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત રાજકોટ મહાપાલિકાએ શહેરમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી મનપાના 1100 કર્મચારીઓને ઝોન વાઈઝ જવાબદારી સોંપી અભિયાનમાં સામેલ કર્યા છે. ત્યારે છેવાડાના વિસ્તારો વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ હોવાની ફરિયાદના પગલે છેલ્લા ચાર દિવસથી શહેરના છેવાડાના વિસ્તારોની સફાઈ હાથ ધરાઈ છે. ત્યારે આજથી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સફાઈ ઝુંબેશમાં જોડી આજે રાંદરડા તળાવની સફાઈ કરવામાં આવી હતી.
શહેરના ઈસ્ટ ઝોનમાં આવેલ રાંદરડા તળાવમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે સવારથી સંત જ્ઞાનેશ્વર વિદ્યાલયના 250થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રાંદરડા તળાવની સફાઈ શરૂ કરવામાં આવી છે. સ્વચ્છતા અભિયાનમાં મનપાના પર્યાવરણ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. જયારે મ્યુનિ. કમિશ્નરે સ્થળ ઉપર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું રાંદરડા તળાવની બાજુમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ આવેલું છે. ત્યારે વર્ષે દરમિયાન હજારો પર્યટકો આ સ્થળની મુલાકાત લેતા હોય છે અને છેલ્લા 20 વર્ષથી તળાવની સફાઈ નહી થવાથી પાણીના પ્રવાહ સાથે આવેલો ટન બંધ પ્લાસ્ટીકનો કચરો તળાવમાં જમા થયો છે. પરિણામે પાણી દુષિત થવાની સાથોસાથ તળાવની ક્ષમતામાં પણ ઘટાડો થયો છે ત્યારે પર્યાવરણનું રક્ષણ અને સ્વચ્છતાના ઉદેશથી રાંદરડા તળાવની સંપૂર્ણ સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાંદરડા તળાવ ખાતે વહેલી સવારના સંત જ્ઞાનેશ્ર્વર વિદ્યાલયના 250 થી વધુ વિદ્યાર્થીઓએ સફાઈ કામ શરૂ કરી કાદવમાંથી પ્લાસ્ટીકનો કચરો બહાર કાઢી કાબીલેતારીફ કામગીરી કરી હતી. તળાવની સફાઈ દરમિયાન બપોર સુધીમાં 20થી વધુ ટ્રેકટર ભરીને પ્લાસ્ટીકની કોથળીઓ સહિતનો કચરો બહાર કાઢવામાં આવ્યો છે. મ્યુ. કમિશ્નરના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં અન્ય જળાશયોમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.