રેરામાં પ્લાન પાસમાં કૌભાંડ, રાતોરાત 7 સુધારા અમલી

  • રેરામાં પ્લાન પાસમાં કૌભાંડ, રાતોરાત 7 સુધારા અમલી

વિસંગતતાના અનેક કેસો નિકળ્યા: દસ્તાવેજ-હાર્ડકોપીની ચકાસણી બાદ જ બિલ્ડરોને એકનોલેજમેન્ટ નંબરની ફાળવણી કરાશે: રેરાએ પરિપત્ર પ્રસિધ્ધ કર્યો
રાજકોટ તા.8
બાંધકામના પ્લાન પાસ કરવામાં પણ કૌભાંડ થતા હોવાની આશંકાના પગલે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટ (રેરા)ના રાજ્ય સરકારે રાતોરાત મહત્વના સાત સુધારા કરીઅમલી બનાવવામાં આવ્યા છે. સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ બાંધકામ સાઈટના પ્રારંભ પૂર્વ રેરામાં પ્લાનની મંજૂરી માટે ઓનલાઈન દસ્તાવેજો રજુ કરવામાં આવે છે ત્યારબાદ હાર્ડકોપીમાં પણ વિગત અપલોડ કરવાની હોય છે. રેરા દ્વારા આ દસ્તાવેજોની ચકાસણી કરતા દસ્તાવેજ અને હાડકોપીમાં ભારે વિસગંતતાનું કારસ્તાન પકડી પાડવામાં આવ્યુ છે. આથી રાતોરાત નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
રેરાએ કરેલા સુધારામાં પ્રોજેકટ નોંધણીમાં ઓનલાઈન સબમિશનમાં હવેથી દરેક બિલ્ડરને રેરાપોર્ટલ દ્વારા રિકવેસ્ટ ફોર એક નોલેજમેન્ટ સબમિટ કર્યાનો ઈ-મેલ કરવામાં આવશે. જે મેલમાં રેરા રજીસ્ટ્રેશન એપ્લીકેશન માટેની ફિ ચુકવ્યાની માહિતી મળશે, બિલ્ડર દ્વારા એપ્લિેકશન સબમીટ કર્યા બાદ સાત દિવસમાં હાર્ડકોપી રજુ કરવાનું ફરજિયાત કરાયું છે.
ઓનલાઈન અપલોડ કરવામાં આવેલા દસ્તાવેજો તથા હાર્ડકોપીના દસ્તાવેજોની ચકાસણી બાદ એકનોલેજમેન્ટ નંબરની ફાળવણી ઈ-મેલથી કરવામાં આવશે. એકનોલેજમેન્ટ નંબર જનરેટ થયા બાદ એપ્લિીકેશનના ચકાસણી રેરા કચેરીમાં ઈ-ઓફીસ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે અને એપ્લિકેશનનું શુ થયું તે બિલ્ડર ઓનલાઈન જાણી શકાશે. ઓનલાઈન એપ્લીકેશનની કચેરી પણ ઈ-મેલથી જાણ કરાશે તેની પૂર્તતા પણ ઈ-મેલ માફત જ કરવાની રહેશે. બિલ્ડરને જો એકાઉન્ટ બદલવુ હોય તો પૂર્વ મંજૂરી પ્રમોટર લોગઈન હેઠળ મેળવવાની રહેશે. તમામ દસ્તાવેજોની ચકાસણી શાખા દ્વારા કરાશે અને તેમાં કોઈ ક્ષતિ હશે તો તેની જાણ કરી પૂર્તતા પણ મેલ મારફત બિલ્ડરે કરવાની રહેશે. ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી
ઓથોરિટી (ગુજરેરા)એ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને બિલ્ડર દ્વારા અપાતી હાર્ડકોપીમાં વિસંગતા નાથવા માટે ઈ-ઓફિસ દ્વારા ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે. તમામ બાબતો જેવી કે ક્વેરી, પૂર્તતા કે અન્ય પ્રશ્ર્નોના નિરાકરણ અને ચકાસણી પણ ઓનલાઈન કરવામાં આવશે અને તેનો અમલ 6 ડિસેમ્બરથી લાગુ કરવાનો નિર્ણય રેરા ઓથોરિટીએ કર્યો છે.
જાહેર કરેલા પરિપત્રમાં સચિવે જણાવ્યું છે કે, રેરા હેઠળ રીયલ એસ્ટેટના પ્રોજેકટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ રજિસ્ટ્રેશન અત્યારે ઓનલાઈન કરવામાં આવે છે. જુલાઈ, 2007માં રેરા પોર્ટલ શરુ કરવામાં આવ્યું હતું. ત્યારથી પ્રમોટર (બિલ્ડર) દ્વારા પ્રોજેકટ રજિસ્ટ્રેશન માટે કરવામાં આવતા ઓનલાઈન સબમિશન તથા બિલ્ડર દ્વારા રજુ થતી હાર્ડકોપીની ચકાસણી કરીને રજિસ્ટ્રેશન આપવાની પ્રક્રિયા અમલી છે. આ પરિસ્થિતિમાં બિલ્ડર દ્વારા રેરા પોર્ટલ ઉપર અપલોડ કરેલા ડિજિટલ દસ્તાવેજો અને રેરા દ્વારા રજિસ્ટ્રેશન સમયે હાર્ડકોપીમાં સ્વીકારેલા દસ્તાવેજો અને માહિતી વચ્ચે વિસંગતતા ઉભી થતી હોય છે. આવા અનેક કિસ્સા જોવા મળ્યા છે.