એસ્ટ્રોન ચોકમાં દિવ્યાંગ યુવાનને બેભાન કરી લૂંટી લીધો

  • એસ્ટ્રોન ચોકમાં દિવ્યાંગ  યુવાનને બેભાન કરી લૂંટી લીધો

 10 હજાર રોકડા, ફોન, ટ્રાઇસિકલની લૂંટ ચલાવી અબોલ યુવાન ત્રણ દિવસે ભાનમાં આવ્યો
રાજકોટ તા.8
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં રાખવા પોલીસ તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં ગુનેગારો કોઈપણ ભોગે કળા કરી જતા હોય છે ત્યારે એસ્ટ્રોન ચોકમાં દિવ્યાંગ અબોલ યુવાનને ચા સાથે ઘેની પ્રવાહી પીવડાવી રોકડા 10 હજાર, ફોન અને ટ્રાઇસિકલ લૂંટી જતા હોસ્પિટલે ખસેડાયો હતો ત્રણ દિવસની સારવાર બાદ ભાનમાં આવતા આ ગરીબ યુવાનને ન્યાય અપાવવા કોંગી કોર્પોરેટરે માંગ ઉઠાવી છે.
શહેરના મવડીમાં કૃષ્ણનગર શેરી નંબર 14માં રહેતો અને ભટકતું જીવન જીવતો અબોલ દિવ્યાંગ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો ચારેક દિવસ પૂર્વે પોતાની ટ્રાઇસિકલ લઈને એસ્ટ્રોન ચોક તરફ હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમે આ અબોલ યુવાનને લૂંટી લેવાના ઇરાદે ઘેની પદાર્થ ચા સાથે પીવડાવી બેભાન કરી તેની પાસે
પેટીમાં રહેલ 10 હજાર રોકડા, 10 હજાર રૂપિયાનો ફોન, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતની વસ્તુઓ લૂંટી ગયો હતો મુન્નો બેભાન હાલતમાં પડેલો હોય કોઈ રાહદારીએ 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યો હતો ત્યાં અજાણ્યા યુવાન તરીકે નોંધ કરી તેને ત્રણ દિવસ સારવાર આપવામાં આવી હતી અને સાજો થઇ ગયા બાદ પોતે પોતાના ઘરે પરત પહોંચ્યો હતો પોતે કઈ બોલી શકતો નહિ હોવાથી મુકબધીરની ભાષા સમજતા વ્યક્તિની મદદ લઇ પૂછપરછ કરતા પોતાની સાથે ઘટેલી ઘટના અંગે તેણે જણાવ્યું હતું મુન્નો જે ટ્રાઇસિકલ લઈને રખડતો તે ટ્રાઇસિકલ પણ મળી આવેલ નથી તે પોતાની માતા સાથે રહેતો હોવાનું અને કોઈ દયા દાખવી ભોજન કે પૈસા આપે તો લઇ લેતો આ ઘટનામાં દિવ્યાંગ યુવાનને ન્યાય મળે તે માટે વોર્ડ નંબર 13ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને પ્રભાતભાઈ ડાંગર જહેમત ઉઠાવી રહ્યા છે.