BJP મુસ્લિમ અને પાક. વિરોધી: ઈમરાન ખાનDecember 08, 2018

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એક તરફ ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરી રહ્યાં છે ને બીજી બાજુ ભારત સરકારની ટીકા પણ કરી રહ્યાં છે. ઈમરાન ખાને પોતાના આ નિવેદનમાં ભારતમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ અને 2019ની આવનાર લોકસભાની ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે જ ઈમરાન ખાને કરતારપુર કોરિડોર અને મુંબઈ પર કરવામાં આવેલા 26/11 હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઈમરાન ખાને વોશિંગ્ટન પોસ્ટ સાથેની વાતચીતમાં ભારત અને વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતાં. હજી ગઈ કાલ સુધી ભારત સાથે ટેબલ પર બેસીને તમામ મુદ્દે વાતચીત કરવા તૈયાર હોવાના અને ડાહી ડાહી વાતો કરનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આખરે ભારત વિરોધી રાગ આલાપ્યો છે. ઈમરાન ખાને પીએમ મોદી અને ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વગર જ ઈશારામાં જ કહ્યું હતું કે, ભારતની સત્તાધારી પાર્ટી મુસ્લીમ વિરોધી છે. તેવી જ રીતે પાકિસ્તાન વિરોધી વલણ પણ ધરાવે છે. ભારતમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે માટે ભારત પાકિસ્તાન વિરોધી વલણ અપનાવી રહ્યું છે. મુંબઈ પરના 26/11ના હુમલાના માસ્ટર માઈંડ લશ્કર-એ-તોયબાના આતંકી ઝકી-ઉર-રહેમાન લખવીને પાકિસ્તાનની કોર્ટમાંથી જામીન મળી ચુક્યાં છે. તેવી જ રીતે આ કેસના અન્ય 6 લોકો વિરૂદ્ધ પણ છેલ્લા 9 વર્ષથી ટ્રાયલ જ ચાલી રહી છે. હજી સુધી આ મામલે કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તેના જવાબમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, તે પોતે પણ ઈચ્છે છે કે, મુંબઈ પર હુમલા કરનારાઓ વિરૂદ્ધ પગલા ભરવામાં આવે.
ઈમરાન ખાને દાવો કર્યો હતો કે, તેમણે પોતાની સરકારને આ મામલે સ્થિતિનો તાગ મેળવવા કહ્યું છે. આ કેસનો હલ કાઢવો એ પાકિસ્તાનના પણ હિતમાં છે કારણે આ એક આતંકી કાર્યવાહી હતી. સાથે જ ઈમરાન ખાને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કરતા આ પ્રોજેક્ટની પહેલ તેમણે પોતે જ કરી હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. વધુ એક વાર ટોણોં મારતા કહ્યું હતું કે, આશા સેવીએ છીએ કે ભારતમાં ચૂંટણી બાદ ફરી એકવાર અમારી વાતચીત શરૂ થઈ શકશે.