પ.બંગાળમાં BJPની રથયાત્રાને કોર્ટની મંજૂરીDecember 08, 2018

 ભાજપ ગેલમાં; મમતા પર પ્રહારો
કોલકતા તા.8
હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે ભાજપની ત્રણ ચરણની રથયાત્રાના આયોજન માટે ભાજપના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવાનો આદેશ મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પશ્ર્ચિમ બંગાળના ડીજીપીને આપ્યો હતો અને રથયાત્રા યોજવા નહીં દેવાના નિર્ણયને રદ કર્યો હતો.
કોર્ટે આપેલા આદેશમાં મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપીને ભાજપના પ્રતિનિધિઓ સાથે 12 ડિસેમ્બરે બેઠક કરીને એ મુદ્દે 14મી ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાનું જણાવ્યું હતું.
જસ્ટિસ તપવ્રત ચક્રવર્તીની સિંગલ બેન્ચે આપેલા વચગાળાના આદેશનો ભાગ કાઢી નાખ્યો હોવાનું ભાજપના પ્રવક્તા જયપ્રકાશ મજુમદારે જણાવ્યું હતું. ગુરુવારે રથયાત્રા નવમી જુલાઈ સુધી નહીં યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે બે તૃતીયાંશ રેલી નવમી જુલાઈ સુધીમાં પૂરી થશે. સિંગલ જજની બેન્ચે આપેલા આદેશમાં ગંભીર ત્રુટિ છે. તેમાં સુધારો કરવાનું સૂચન જસ્ટિસ બિશ્ર્વનાથ સમાદ્દરે કર્યું હતું. બેન્ચે નોંધ્યું હતું કે મનસ્વીપણે કશું થઈ શકે નહીં, એમ ભાજપના પ્રવક્તાએ જણાવ્યું હતું. આ પહેલાં ભાજપની રથયાત્રાનું આયોજન કરવાની અપીલની સુનાવણી કરતાં ડિવિઝન બેન્ચે ભાજપના વકીલને જણાવ્યું હતું કે પક્ષ તરફથી 29 ઑક્ટોબરે ગૃહ સચિવને મોકલેલા પત્રમાં મળવાની અપીલ કરી હતી તેમાં રથયાત્રા માટે પરવાનગીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. સિંગલ બેન્ચે રથયાત્રાના આયોજન માટેની પરવાનગી આપવાની ના પાડ્યા પછી જસ્ટિસ સમાદ્દાર અને જસ્ટિસ અરિંદમ મુખરજીએ ભાજપે સિંગલ બેન્ચના આદેશ સામેની અપીલ સ્વીકારી હતી. પશ્ર્ચિમ બંગાળમાં ભાજપને રથયાત્રા માટે લીલી ઝંડી નહીં આપનાર મુખ્ય પ્રધાન મમતા બેનરજી ઉપર ભાજપના અધ્યક્ષ અમિત શાહે આકરા શબ્દ પ્રહાર કર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે મમતા તેમના ડરને કારણે લોકશાહીને ગળે ટૂંપો દઈ રહ્યાં છે. મમતાના રેલી બાબતે નનૈયા વિરુદ્ધ ભાજપે કોર્ટનું શરણ લીધું છે. અમિત શાહે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે મમતાનો ડર સમજાઈ રહ્યો છે. પરંતુ ભાજપને સમર્થન આપવું એ પ્રજાનો નિર્ણય છે જે સ્વીકારવો રહ્યો. તેમણે તૃણમૂલ કોંગ્રેસના શાસનનો સંપૂર્ણ ચિતાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે બંગાળમાં રવીન્દ્રનાથ ટાગોરનું સુમધુર સંગીત વહેતું હતું ત્યાં આજે બોમ્બધડાકા પડઘાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ર્ચિમ બંગાળમાં ભાજપે ત્રણ ભવ્ય રથયાત્રાની યોજના બનાવી હતી જે અંતર્ગત ઉપરાંત નવમી ડિસેમ્બરે ગંગાસાગર તથા 14 ડિસેમ્બરે તારાપીઠ ખાતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.