5 રાજ્યોેના એક્ઝિટ પોલ ભાજપ માટે રેડ-એલર્ટDecember 08, 2018

નવી દિલ્હી તા.8
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ છે અને હવે 11મીએ પરીણામ જાહેર કરવામાં આવશે, આ સ્થિતિ વચ્ચે વિવિધ એજન્સીઓ દ્વારા આ પાંચેય રાજ્યોના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના રાજ્યોમાં ભાજપને ફટકાનું તારણ બહાર આવ્યું છે. જેમ કે રાજસ્થાનમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતથી જીતી જશે જ્યારે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળશે જોકે કેટલાક પોલના તારણમાં જણાવામાં આવ્યું છે કે અહીં માયાવતીના પક્ષ બસપાને પણ કેટલીક બેઠકો મળશે જેની મદદથી કોંગ્રેસ સરકાર બનાવી શકે છે તેથી આ બન્ને રાજ્યોમાં પણ ભાજપને પછડાટ પડી શકે છે. જ્યારે તેલંગાણા અને મિઝોરમમાં પણ ભાજપને ફટકો પડશે, કેમ કે તેલંગાણામાં વર્તમાન સત્તાધારી પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ ફરી સત્તા પર આવશે, એટલે કે આ રાજ્યમાં કોંગ્રેસ કે ભાજપ બેમાંથી કોઇને ફાયદો નહીં થાય. બીજી તરફ મિઝોરમમાં ભાજપ ખાતુ પણ ન ખોલે તેવી શક્યતાઓ પોલના તારણમાં વ્યક્ત કરાઇ છે, મિઝોરમમાં કોંગ્રેસ કે સ્થાનિક પક્ષ એમએનએફ વચ્ચે ટક્કર જોવા મળશે. હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ભાજપની સરકાર છે. જ્યા હવે વળતા પાણી જેવી સ્થિતિ છે તેમ પોલના તારણમાં જણાવવામાં આવ્યું છે.
પોલના આંકડા પર નજર કરીએ તો રિપબ્લિક ટીવી જન કી બાત એક્ઝિટ પોલે 230 બેઠકો ધરાવતા મધ્ય પ્રદેશમાં ભાજપને 108-128 બેઠકો આપી છે જ્યારે કોંગ્રેસને 95-115 બેઠકો આવશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે. ઇન્ડિયા ટુડે એક્સિસના પોલનું તારણ છે કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને 104થી 122 જ્યારે ભાજપને 102-120 બેઠકો આવશે. જ્યારે ટાઇમ્સ નાઉના મતે બીએસપીને છ બેઠક મળી શકે છે. જો બીએસપીને પણ બેઠકો મળે તો કોંગ્રેસ સાથે ગઠબંધનની શક્યતાઓ છે.
રાજસ્થાનમાં કોંગ્રેસ 101થી 141 જેટલી બેઠકો મેળવે તેવો અંદાજ છે. જ્યારે ભાજપને અહીં 55થી 70 જેટલી બેઠકો મળી શકે છે. એટલે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર રચાશે તેવો દાવો દરેક એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો છે. નક્સલ પ્રભાવીત છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને વચ્ચે ટક્કર જોવા મળશે તેમ છતા અહીં બીએસપીને ત્રણથી સાત બેઠકોનું અનુમાન છે જેની મદદથી કોંગ્રેસ સરકાર બનાવી શકે છે. અહીં ભાજપને 46 જેટલી જ્યારે કોંગ્રેસને 40 બેઠકોનું અનુમાન છે.