દિલ્હીની દરગાહમાં પ્રવેશ માટે મહિલાઓ હાઇકોર્ટમાં

  • દિલ્હીની દરગાહમાં પ્રવેશ  માટે મહિલાઓ હાઇકોર્ટમાં

નવી દિલ્હી તા.8
રાષ્ટ્રીય રાજધાનીમાંની હઝરત નિઝામુદ્દીન ઔલિયા દરગાહમાં મહિલાઓને પ્રવેશ આપવાનો આદેશ કેન્દ્ર અને સત્તાવાળાઓને આપવાની દાદ ચાહતી અરજી દિલ્હીની વડી અદાલતમાં વકિલાતનું ભણતી કેટલીક વિદ્યાર્થિનીઓએ કરી છે.
આગામી સપ્તાહમાં જેના પર સુનાવણી થવાની છે એ જાહેર હિતની અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દરગાહના પ્રવેશદ્વાર પર એવી નોટિસ લગાવવામાં આવેલી નોટિસમાં અંગ્રેજી અને હિન્દીમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહિલાઓને દરગાહમાં પ્રવેશ નથી.
વિદ્યાર્થિનીઓેએ પોતાની અરજીમાં એવી દલીલ કરી છે કે દિલ્હી પોલીસ સહિતના કેટલાક સત્તાવાળાઓને દરગાહમાં મહિલાઓને પ્રવેશ આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી પણ તેનો કાંઇ અર્થ ન સરતા અદાલતમાં અરજી કરવી પડી છે.
દરગાહમાં મહિલાઓના પ્રવેશની ખાતરી કરી લેવાની માર્ગદર્શિકા ઘડવા તથા મહિલાઓ પરની પ્રવેશ-બંધીને ગેરકાનૂન જાહેર કરવા માટે કેન્દ્ર, દિલ્હી સરકાર, પોલીસ અને દરગાહના સંચાલન ટ્રસ્ટને આદેશ આપવાની દાદ આ અરજીમાં ચાહવામાં આવી છે. વકીલ કમલેશ કુમાર મિશ્રા થકી આ અરજી કરવામાં આવી છે.
વિદ્યાર્થિનીઓ 27મી નવેમ્બરે દરગાહની મુલાકાતે ગઇ ત્યારે તેમને પ્રવેશબંધી અંગે જાણ થઇ હતી. એ પછી તેમણે વિવિધ સત્તાવાળાઓને પ્રવેશ-બંધી દૂર કરવા માટે રજૂઆત કરી. આ રજૂઆતો બહેરા કાને અથડાતા તેમણે અદાલતમાં ધા નાખી છે.