એક્ઝિટ પોલમાં પણ પોલમ્પોલ હોઈ શકેDecember 08, 2018

તેલંગણા અને રાજસ્થાનમાં શુક્રવારે મતદાન પૂરું થયું એ સાથે જ છેલ્લા એક મહિનાથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા ને મિઝોરમ એ પાંચ રાજ્યોમાં ચાલતો ચૂંટણીનો ચકરાવો લગભગ પૂરો થયો. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ને મિઝોરમમાં પહેલા જ મતદાન પૂરું થઈ ગયેલું. બે રાજ્યોમાં મતદાન બાકી હતું એ શુક્રવારે પૂરું થયું હવે ત્રણ દાડા પછી એટલે કે 11 ડિસેમ્બરે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ એ પાંચેય રાજ્યોમાં સાગમટે મતગણતરી થશે એ સાથે જ આ ચકરાવાનો છેલ્લો અધ્યાય પણ પૂરો થશે. અલબત્ત સૌથી મહત્ત્વનો એ છેલ્લો અધ્યાય જ છે કેમ કે લગભગ એક મહિના લગી સુધી રાજકીય પક્ષોએ શું ફીણ્યું તેની ખબર એ દિવસે પડશે. એ દિવસે ભાજપ, કોંગ્રેસનું તો પાણી મપાશે જ પણ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ને બહુજન સમાજ પાર્ટી(બસપા) સહિતના પક્ષોનું પાણી પણ મપાઈ જશે.
જે પાંચ રાજ્યોમાં મતદાન થયું તેમાંથી ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકારો છે. રાજસ્થાન સિવાયનાં બાકીનાં બે રાજ્યોમાં ભાજપ છેલ્લા પંદર વરસથી જામેલો છે. ભાજપ હજુ બીજાં પાંચ વર્ષ લગી રહેશે કે પછી આ વખતે તેનું અચ્યુતમ કેશવમ થઈ જાય છે તેનાં પારખાં છે. આ પારખામાં ભાજપ પાર ઉતરે છે કે પછી ઢબી જાય છે તેની ખબર 11 ડિસેમ્બરે પડશે. મિઝોરમમાં કોંગ્રેસ છેલ્લાં 10 વરસથી જામેલી છે ને લાલ થાનવાલા સળંગ ત્રીજી ટર્મ માટે જીતીને હેટ્રિક કરવા થનગની રહ્યા છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભાજપે પ્રાદશિક પક્ષોને પોતાના પડખામાં લીધા છે. મિઝોરમમાં પણ ભાજપે એ જ દાવ ખેલ્યો છે. મિઝોરમમાં ભાજપનો કોઈ ભાવ પૂછતું નથી તેથી તેમણે મિઝો નેશનલ ફ્રન્ટને પોતાના પડખામાં લીધો છે. એ રીતે મિઝોરમમાં ભાજપ સ્થાનિક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટના સહારે તરી જવા માગે છે ને પોતાનું શાસન હોય તેવાં રાજ્યોમાં વધુ એકનો ઉમેરો કરવા માગે છે.
જો કે 11 ડિસેમ્બરે જે આવશે એ તો અંતિમ પરિણામ હશે પણ એ પહેલાં ટીવી ચેનલોએ એક્ઝિટ પોલના નામે ચગાવેલા પતંગ અત્યારે ઊડતા થઈ ગયા છે. આપણે ત્યાં દરેક ચૂંટણીમાં એક્ઝિટ પોલ થાય છે ને એ સાચા પડે છે કે નહીં તેની પંચાતમાં આપણે નથી પડતા પણ એક્ઝિટ પોલની પણ એક મજા છે. મતદાન પતે ને મતગણતરી શરૂ થાય એ પહેલાં પ્રજા ને રાજકારણીઓ બંને માટે ઉચાટનો માહોલ હોય છે. આ ઉચાટનો સમયગાળો પણ પાછો ત્રણ-ચાર દાડાનો હોય છે. એક્ઝિટ પોલ એ ત્રણ-ચાર દાડાનો સમય કાઢી નાંખવા માટે મહત્ત્વનો સાબિત થાય છે. રાજકીય પક્ષો તેના કારણે પરિણામો માટે માનસિક રીતે તૈયાર થાય છે. એક્ઝિટ પોલ સાચા જ પડે તેની ગેરંટી નથી હોતી ને ઘણી વાર મોટો આંચકો આપનારા સાબિત થતા હોય છે. અલબત્ત એ થાય ત્યારે થાય પણ એ પહેલાં રાજકારણીઓ ગમે તેવા આંચકા પચાવવા માટે તૈયાર થાય છે.
આ વખતે પણ એક્ઝિટ પોલ થયા જ છે ને તેનાં પરિણામ તેલંગણા ને રાજસ્થાનમાં મતદાન પત્યું એ સાથે જ બહાર પણ આવી ગયા. આ એક્ઝિટ પોલ મિશ્ર છે ને એકદમ સ્પષ્ટ ચિત્ર આપનારા નથી પણ છતાં કોંગ્રેસ માટે નિરાશાજનક નથી એ સૌથી મોટી વાત છે.
આ પૈકીના કેટલાક ઓક્ઝિટ પોલ મધ્ય પ્રદેશમાં ભાજપની જીત થશે તેવી આગાહી કરે છે. શિવરાજસિંહ ચૌહાણ ભાજપને સતત ચોથી ટર્મ માટે જીત અપાવશે એવું આ એક્ઝિટ પોલ કહે છે પણ સામે ભાજપ જેવા દાવા કરતી હતી એવો ભવ્ય તેનો વિજય નહીં હોય ને બંને વચ્ચે જોરદાર ટક્કર થશે એવી આગાહી પણ કરાઈ છે. ભાજપ કોંગ્રેસને સાવ ધોઈ નાંખે એવી શક્યતા નથી એવું પણ આ એક્ઝિટ પોલ કહે છે. સામે કેટલાક એક્ઝિટ પોલ ભાજપના ધોવાણની આગાહી પણ કરે છે. આ ધોવાણ પણ જોરદાર નહીં હોય પણ ભાજપ માટે તો સત્તા જાય એ જ મોટી વાત છે.
રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં ભાજપ માટે કપરાં ચઢાણ છે તેવા સંકેત એક્ઝિટ પોલ આપે છે. રાજસ્થાનમાં ભાજપ હાર માટે માનસિક રીતે તૈયાર છે તેથી ત્યાં ભાજપ હારે તો તેના કારણે તેને બહુ આંચકો નહીં લાગે પણ પંદર વર્ષથી જ્યાં ભાજપ જામી પડ્યો છે તે છત્તીસગઢમાં ભાજપની હાર થાય એ બહુ કારમી કહેવાય. ભાજપ જે રાજ્યોમાં જોરાવર નથી એ તેલંગણામાં પણ કોંગ્રેસ માટે બહુ નિરાશાજનક માહોલ નથી. કેટલાક એક્ઝિટ પોલ તો તેલંગણામાં ચંદ્રાબાબુ ને કોંગ્રેસની જુગલબંધી ચંદ્રશેખર રાવનો વરઘોડો ઘરભેગો કરશે એવી આગાહી પણ કરે છે. એવું થશે તો એ બહુ મોટો આંચકો હશે.
અલબત્ત આ એક્ઝિટ પોલ છે ને આ દેશમાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે એવો ઈતિહાસ પણ છે. અત્યારે તો ભાજપ એવી પ્રાર્થનો કરતો હશે કે એક્ઝિટ પોલ ફરી વાર ખોટા પડે. સામે કોંગ્રેસ પણ પ્રાર્થના કરતી હશે કે અત્યાર લગીના એક્ઝિટ પોલ બધા ભાડમાં જાય પણ આ વખતે એક્ઝિટ પોલ સાચા પડે. જોઈએ, કોની પ્રાર્થના દમદાર સાબિત થાય છે.