ડેમેજ કંટ્રોલ ; ત્રણ મહિનામાં 100 રોજગાર મેળાDecember 08, 2018

રાજકોટ તા,8
રાજકોટ સહિત રાજયભરનાં 8.76 લાખ બેકાર ઉમેદવારો લોકરક્ષક દળની ભરતીનું પેપર આપે તે પહેલા જ પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવી પડી હતી. પરીક્ષા રદ કરાતા તેના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે. રાજયમાં લાખો બેરોજગારો નોકરી માટે આમ તેમ રઝળી રહ્યા છે. ત્યારે બેરોજગારીનો મુદો રાજયસરકાર માટે ગળાનું હાડકુ બને તે પહેલા જ રાજયસરકારે આગોતરૂ આયોજન કરી લીધું છે.
લોકસભાની ચૂંટણી નજીકમાં છે. ત્યારે પેપરકાંડથી ગુજરાત સરકારની આબરૂનું ધોવાણ થઇ ગયું છે. બીજીબાજુ યુવા મતદારોનો વિશ્ર્વાસ પણ સરકાર ઉપરથી ડગમગી ગયો છે ત્યારે યુવા મતદારોનું ડેમેજ ક્ધટ્રોલ કરવા માટે ગુજરાત સરકારે રાતોરાત રોજગાર મેળા યોજવાનું નક્કી કરી લીધું છે. સરકારી કચેરીઓ દ્વારા અત્યારથી જ બેરોજગારોને મેળા માટે એસએમએસથી જાણ કરી દેવામાં આવી છે.
રાજયની તમામ રોજગાર કચેરીઓમાં 30 નવેમ્બરની સ્થિતિએ 4,74,856 રોજગાર વાંચ્છુઓ સત્તાવાર રીતે (લાઇવ રજીસ્ટર)નોંધાયેલા છે. રાજય સરકાર દ્વારા આગામી માર્ચ સુધીમાં વધુ 100 જેટલા રોજગાર મેળા યોજીને 89 હજાર લોકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક રખાયો છે.
તાજેતરમાં યોજાયેલી સરકારી સહિતની જગ્યાઓ માટે જે રીતે લાખોની સંખ્યામાં બેરોજગારોની ફોજ ભરતી માટે ઉમટી પડે છે તે જોતા ગુજરાતમાં બેકારીની સમસ્યા વિકરાળ બની હોવાનું સ્પષ્ટ થયું છે. જેના કારણે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સરકારે કેટલી રોજગારી આપી તે દર્શાવવા ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2013થી 2017 સુધીમાં 5269 ભરતી મેળા યોજવામાં આવ્યા તેમાં કુલ 10,09,652 ઉમેદવારોને રોજગારી પૂરી પડાઇ હોવાનો દાવો કરાયો છે. તેમાંથી સરકારે નવેમ્બર સુધીમાં કુલ 800 જેટલા ભરતી મેળા યોજયા હતા તેની 2,11,235ની રોજગારીનો પણ સમાવેશ થાય છે.
સરકારે યોજેલા ભરતી મેળામાં કુલ 5972 નોકરી દાતા હાજર રહ્યા હતા. જેમાં ધોરણ 10 થી લઇને ગ્રેજયુએશન સુધીના ઉમેદવારોને રોજગારી અપાઇ હતી. મોટાભાગની રોજગારી ટેકનીકલ ક્ષેત્રના ઉમેદવારોને મળી હતી. સરકારે એસએમએસ કરીને આઇટીઆઇમાં ભણી ગયેલા ઉમેદવારોને પણ રોજગારી મેળા અંગે જાણ કરવાનું શરૂ કર્યું છે.
સરકારને રોજગાર કચેરીમાં જે ઉમેદવારો નામ નોંધાવે તેને જે તે કંપનીમાં જરૂરિયાત મુજબ પ્લેસમેન્ટ અપાય છે. તેની સાથે કંપની કે ઔદ્યોગિક એકમના સંચાલકોની હાજરીમાં સીધા ઉમેદવારોને બોલાવીને રોજગારી માટેના ભરતી મેળા શરૂ કર્યા છે તે કુલ રોજગારીના પચાસથી 60 ટકા થવા જાય છે.