પડધરીમાં બેંકમાંથી ઉપાડેલા રૂા.55 હજાર 10 મિનિટમાં જ ચોરાઈ ગયાDecember 08, 2018

 નાના ખીજડિયાના ખેડૂત પ્રૌઢ પૈસા ઉપાડી શાક લેવા ગયા અને તસ્કરો ડેકી તોડી પૈસા ઉપાડી ગયા: મહિલા સહિત ત્રણ સકંજામાં
રાજકોટ તા.8
પડધરીમાં બેંકમાંથી ઉપાડેલા રૂા.55 હજાર 10 મિનિટમાં જ ચોરાઈ ગયાની ઘટના સામે આવી છે. નાના ખીજડિયાના ખેડૂત પ્રૌઢ પૈસા ઉપાડી શાક લેવા ગયા અને તસ્કરો ડેકી તોડી પૈસા ઉપાડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે મહિલા સહિત ત્રણ શખસોને સકંજામાં લઈ પુછપરછ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના નાના ખીજડિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા દેવરાજભાઈ ગોવિંદભાઈ કણઝરિયા (ઉ.62) નામના પ્રૌઢ ગઈ કાલે પૈસા ઉપાડવા માટે પડધરી આવ્યા હતા. જવાથી તેઓએ નાગરિક બેંકમાંથી રૂા.25 હજાર અને બેંક ઓફ બરોડામાંથી રૂા.30 હજાર મળી કુલ રૂા.55 હજારની રકમ થેલીમાં નાંખી બાઈકની ડેકીમાં રાખી હતી અને બેંક પાસે આવેલી શાક માર્કેટમાં બકાલુ લેવા ગયા અને માત્ર 10 જ મિનિટમાં તસ્કરો ડેકી તોડી રોકડ અને પાસબુક, ચેકબુક સહિતની થેલી ઉઠાવી ગયા હતા. પૈસા ચોરી થયાની જાણ થતા પ્રૌઢ હાફડા - ફાફડા થઈ ગયા હતા અને બેંક પર દોડી ગયા હતા. જવાથી પડધરી પોલીસ સ્ટેશને જઈ જાણ કરતાં પોલીસે દેવરાજભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પડધરી પોલીસ મથકના પીએસઆઈ જે.વી. વાઢિયાએ ગણતરીની કલાકોમાં જ એક મહિલા સહિત ત્રણ શખ્સોને સકંજામાં લઈ પુછપરછ હાથ ધરી છે.