PGVCL કરંટ આપવા તૈયાર, ભાવવધારા માટે દરખાસ્ત

  • PGVCL કરંટ આપવા તૈયાર, ભાવવધારા માટે દરખાસ્ત

નવા વર્ષથી 50 લાખ ગ્રાહકો ઉપર મહિને કરોડોનો બોજ: એફપીપીએના બેઝરેટમાં ગત વર્ષ કરતા 14 પૈસાનો
પ્રતિ યુનિટે ભાવવધારો મંગાયો
રાજકોટ તા.8
પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી. (પીજીવીસીએલ) એ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ0 લાખ વીજધારકોને કરંટ આપવાનો તખ્તો તૈયાર કરી લીધો છે.
નવા વર્ષના પ્રારંભથી જ વીજ યુનિટ દીઠ બેઝરેટમાં 14
પૈસાનો વધારો ઝીકવા માટે ભાવવધારાની દરખાસ્ત જર્કમાં કરવામાં આવી છે.
પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ કંપની દ્વારા બહુવર્ષીય વીજદર નિયમનો હેઠળ નાણાકીય વર્ષ ર017-18, માટેના ટુ-અપ, વર્ષ ર019-ર0 તથા ર0ર0-ર1 ની વાર્ષિક રાજસ્વની જરૂરીયાતની વચગાળાની સમીક્ષા તથા વર્ષ ર019-ર0 ના વીજદર નક્કી કરવા માટે વીજદરમાં કોઇ ફેરફાર સુચવેલ નથી પરંતુ વર્ષ ર019-ર0 ની આવક અંદાજવા માટે એફપીપીએનો બેઝરેટ રૂા.1.63 પ્રતિ યુનિટ આકારવાની દરખાસ્ત કરવામાં આવી છે.
વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે એફપીપીએની પ્રતિ યુનિટ રૂા.1.49 ગ્રાહકો પાસેથી વસુલ કરવામાં આવે છે. આમ આગામી નવા વર્ષના પ્રારંભે વીજધારકો પાસેથી વધારાના 14 પૈસા વધુ લેવામાં આવશે. પરીણામે ગ્રાહકો ઉપર મહિને કરોડો રૂપિયાનો બોજ આવનાર છે.
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ચાર કંપનીને ભાવવધારો આપવાની મંજુરી આપવામાં આવી છે. તેના ભાગરૂપે પીજીવીસીએલ સહિત રાજ્યની ચારેય વીજ કંપનીઓએ ભાવવધારાની દરખાસ્ત તૈયાર કરી લીધી છે. તેમાંથી પીજીવીસીએલએ દરખાસ્ત પણ કરી દીધી છે.
વીજ યુનિટના ભાવ વધારાનો નિર્ણય અગાઉ રાજ્ય સરકાર અને જીઇબી નક્કી કરતી હતી પરંતુ વર્ષ ર00પ થી વીજ નિયમન પંચ (જર્ક) ને ભાવ વધારાની સતા આપવામાં આવી છે.
આથી વીજળી પુરી પાડતી કંપનીઓ હવે ભાવ વધારો જર્ક પાસે માગે છે. પીજીવીસીએલ દ્વારા ભાવવધારાની દરખાસ્ત સાથે વાંધા સુચન પણ મંગાવવામાં આવ્યા છે. રજુ થનાર વાંધાઓનું હીયરીંગ જર્કમાં થશે અને વાંધાસુચન માટે પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટર દ્વારા જવાબ આપવાના હોય છે. બાદમાં વધારો કરવો કે નહીં તેનો નિર્ણય જર્ક કરે છે.