રવી નદી પર ડેમ બાંધી પાક.ને નપાણિયું કરશે મોદી સરકારDecember 08, 2018

 પંજાબ સરકાર અને કેન્દ્રનાં સહયોગથી શાહપુરકંડી ડેમ બનાવવા કેબિનેટની મંજૂરી
 ડેમના પાણીથી પંજાબની 5000 અને ઉંઊંની 32000 હેકટર જમીનને સિંચાઈ મળશે
નવી દિલ્હી તા,8
પાકિસ્તાનને પાઠ ભણાવવાના ભારતે અન્ય રસ્તા પણ શોધી લીધા છે. હવે ભારતમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના વહેણ ફેરવી નાખવામાં આવશે અને તેનો ઉપયોગ ભારતમાં જ કરવામાં આવશે. આ માટે રવી નદી પર એક ડેમ બનાવવામાં આવશે જેની મદદથી પાકિસ્તાન તરફ જતુ પાણી ભારત તરફ વાળી લેવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટને કેન્દ્રીય
કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સરકાર દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પંજાબમાં આ ડેમ બનાવવામાં આવશે જેની મદદથી પાકિસ્તાન તરફ જે વધારાનું પાણી જતુ રહે છે તેને અટકાવવામાં આવશે અને ભારત તરફ વાળી લેવાશે. આ પ્રોજેક્ટની મદદથી પંજાબમાં પાંચ હજાર હેક્ટર જમીન અને કાશ્મીરમાં 32173 હેક્ટર ખેતીની જમીનની સીંચાઇમાં મદદ મળી રહેશે.
હાલ જે શાહપુરકંડી ડેમને મંજુરી આપવામાં આવી છે તે પંજાબમાં બનાવવામાં આવશે. જેનાથી પંજાબમાં 206 મેગાવોટ હાઇડ્રોપાવરનું પણ ઉત્પાદન થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં કરવામાં આવેલા પાણીના કરારોમાં ભારતને રવી, બીઆસ અને સતલુજના પાણી પર પુરો અધિકાર મળ્યો હતો. હાલ પંજાબમાં જે પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે અનુમતી આપી છે તે માટે કેન્દ્ર તરફથી 485 કરોડની સહાય આપવામાં આવશે જ્યારે રાજ્ય સરકાર તેની સંપૂર્ણ કામગીરી સંભાળશે. 2018-19થી પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર સહાય કરશે તેમ જણાવ્યું હતું. જોકે આ પુરા પ્રોજેક્ટ પાછળ આશરે 2715.70 કરોડ રૃપિયાનો ખર્ચ થવાની શક્યતાઓ છે. અને 2022 સુધીમાં પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવશે તેવી પણ શક્યતાઓ છે.
આ ડેમના બાંધકામને 2001માં જ મંજુરી મળી ગઇ હતી. જોકે કામ આગળ ચાલી શક્યું નહોતું, હવે કેન્દ્ર સરકારે ફરી પંજાબમાં આ જ પ્રકારના પ્રોજેક્ટને મંજુરી આપી છે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ માટેનુ ફંડ નાબાર્ડ દ્વારા મોકલશે. આ માટે હાલ પ્રધાન મંત્રી કૃષી સીંચાઇ યોજનાની વ્યવસ્થા છે જેની મદદથી આ ફંડ મોકલવામાં આવશે. સરકારે દાવો કર્યો છે કે આ પ્રોજેક્ટના અમલ બાદ રાજ્યમાં રોજગારીનું પ્રમાણ પણ વધશે. ડેમના બાંધકામ માટે પણ અનેક મજૂરોને રોજદારી મળી રહેશે.