સ્ટેચ્યૂ ઓફ યુનિટી સામે બેરોજગારોનો હલ્લાબોલDecember 08, 2018


કેવડિયા: કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે તેમાં દેશના અન્ય શહેરોના યુવક અને યુવતીઓને નોકરી આપી દેવામાં આવી છે જયારે જમીન ગુમાવનારા પરિવારોના સંતાનો નોકરી વિના રઝળપાટ કરી રહયાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોકરીની માંગ સાથે 17 ગામના આદિવાસીઓએ કેવડીયામાં હલ્લો બોલાવ્યો હતો.
સરકાર તેમને નોકરી નહિ આપે તો એક પણ પ્રવાસીને સ્ટેચ્યુના પરિસરમાં ઘુસવા દેવાશે નહિ તેવી ચીમકી આપી છે.
નર્મદા બંધમાં જમીનો ગુમાવનાર કેવડિયા, કોઠી, નવાગામ, લીમડી, વાગડીયા અને ગોરા આમ કુલ 6 ગામો અને વિયર ડેમના 7 ગામો મળી 13 ગામોના લોકોનો ફરી વિરોધ જોવા મળ્યો છે. આ ગામના લોકોનો રોજગારી આપો કહી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લા બોલ કરી નોકરીની માંગને ઉગ્ર બનાવી હતી. જેમાં નવા કર્મચારીઓને લેવામાં સ્થાનિક કર્મચારીઓને કાઢી તંત્ર આદિવાસીઓને અંદરો અંદર લડાવાની વૃત્તિ અટકાવવાની તેમણે માંગ કરી છે. ખાનગી એજન્સીઓ થકી સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપવાના દાવા સરકાર કરે છે, પણ વાસ્તવમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં નોકરી માટે સ્થાનિક આદિવાસી લોકોની અવગણના કરાઇ રહી છે. જો સ્થાનિકોની નોકરીની માંગ નહિ સંતોષાય તો 1000 જેટલા યુવાઓ સ્ટેચ્યુ પર દેખાવો કરશે.