એપ્રિલથી લોન પારદર્શક અને સરળ

મુંબઇ તા.7
હોમ, ઓટો તથા બિઝનેસ લોન લેવા ઇચ્છતાં લોકો માટે મોટી રાહતના સમાચાર છે. એપ્રિલ 2019થી તમામ ફ્લોટિંગ રેટ લોનના વ્યાજદર બેન્કો દ્વારા નહીં પરંતુ માર્કેટ દ્વારા નક્કી કરાશે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે, એપ્રિલ 2019થી વ્યક્તિગત અને નાના બિઝનેસ માટે અપાતી તમામ ફ્લોટિંગ રેટલોનને એક્સ્ટર્નલ બેન્ચમાર્ક સાથે જોડવી બેન્કો માટે ફરજિયાત બનાવી દેવાઈ છે. આ બેન્ચમાર્ક રિઝર્વ બેન્કનો રેપોરેટ, 91 દિવસનાં સરકારી બોન્ડની ઊપજ અથવા તો 181 દિવસનાં સરકારી બોન્ડની ઊપજ અથવા ભારતના ફાઇનાન્શિયલ બેન્ચમાર્ક દ્વારા નક્કી કરાયેલ કોઈપણ માપદંડ હોઈ શકે છે.
ભારતીય રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર એન. વિશ્વનાથને જણાવ્યું હતું કે, આપણે લોનમાં પારદર્શકતા વધારવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ તેના ભાગરૂપે બેઝ રેટથી લેન્ડિંગ રેટની માર્જિનલ કોસ્ટ પર પહોંચ્યા હતા, હવે તે દિશામાં આગળ વધતાં અમે એપ્રિલ 2019 પછી તમામ પર્સનલ અને એસએમઈ લોનને સાંકળવાનું બેન્કો માટે ફરજિયાત બનાવી રહ્યા છીએ, તેમાં લોનની એક્ચ્યુઅલ કોસ્ટ બેન્ચમાર્ક પરના વ્યાજદરની ઊપજના ગાળા પર આધારિત રહેશે અને આ વ્યાજદરની ઊપજનો ગાળો લોનના સમયગાળામાં એકસમાન રહેશે. સિવાય કે લોન લેનારની ક્રેડિટની વિશ્વસનીયતા બદલાય.