ઓનલાઈન બિનખેતી પ્રક્રિયાનો શુભારંભ: રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમ એપ્લિકેશન

રાજકોટ, તા. 6
ખેતીની જમીન બિનખેતી કરવા માટેની પ્રક્રિયા સરળ અને પારદર્શી બનાવવાના આવકાર્ય પગલાંને અનુલક્ષીને રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમ ઓનલાઈન અરજી દિવાળીનાં સપરમા દિવસો દરમિયાન જ ગઈકાલે આવી છે.
રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે ‘ઓન લાઈન રેવન્યુ પોર્ટલ પરી હિરેનભાઈ વિનોદભાઈ કોઠારી નામના આસામીએ જમીન બીનખેતી માટેની સૌ પ્રથમ ઓન લાઈન એપ્લીકેશન કરી છે.’ કલેકટર ઓફિસ-રાજકોટને કરાયેલી આ એપ્લીકેશન (નંબર 995952) માં તા.5ને ધનતેસરના દિવસે જ રૂા.2530 ફી પેટે ચૂકાવાયા છે.
નોંધનીય છે કે, જમીન બિનખેની માટેની પ્રક્રિયા જટીલ ન રહે અને અરજદારને તેની પ્રક્રિયા કેટલે પહોંચી તેની ખબર રહે તેવી જોગવાઈ ઓનલાઈન પ્રક્રિયામાં કરાયેલી છે. આનાથી રાજયની સંબંધીત કચેરીઓમાં કયારેક કોઈ અજુગતી માગણી થયાનું ભયસ્થાન પણ ખાળી શકાશે તેવુ તંત્રનું માનવું છે. આગામી સોમવારથી આ સમગ્ર ઓનલાઈન પ્રક્રિયા થવાની છે, જે અન્વયે રાજકોટ જિલ્લામાં આ પ્રથમ અરજી આવી છે, વર્ષો સુધી રૂઢિગત રીતે, બાદમાં કયાંક કયાંક ‘ઓપન હાઉસ’ યોજીને બિનખેતી મંજુર કરાતી જેમાં હવે વધુ એક સુધારો આ રીતે આવી રહ્યો છે.