વાંકાનેરના કોટડાનાયાણી ગામે પતિના હાથે પત્નીની હત્યા

વાંકાનેર તા.6
વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ઘર કંકાસને કારણે પત્નીના હાથ પગ ભાંગી નાખી ગળે ટૂંપો આપી પતિએ મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે જો કે હત્યા કરવા છતાં બીમારીથી કુદરતી મોત થયાનું રટણ કરનાર પતિ હાલમાં નાસી છૂટ્યો છે અને પીએમ રિપોર્ટ બાદ બનાવ હત્યાનો હોવાનું ખુલતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. દિવાળીના તહેવાર પર આ બનાવથી ગામમાં શોક છવાઇ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે રહેતા ભીખાભાઈ બચુભાઈ લઢેરે પોતાની પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન (ઉં.વ.50) ની ગત. 3ના રોજ હથીયારથી માર મારી હાથ-પગ ભાંગી નાખી ગળેટૂંપો આપી મારી નાખી હત્યા કરી નાખી હતી. તેણે લાશને ઘરમાં જ રાખી મુકી હતી અને અંતિમવિધિ માટે તૈયારી કરવા માંડી હતી. એવામાં ગ્રામજનોને શંકા ઉપજતાં આરોપીએ પોલીસને જાણ કરી હતી કે તેની પત્ની પડી જવાથી મૃત્યુ પામી છે.
ઘરકંકાસ કંકાસના કારણે પત્નીની ઠંડા કલેજ હત્યા કરી હોવા છતાં આરોપી ભીખાભાઈ બચુભાઈ લઢેરે પોતાના કુટુંબીજનોને જાનુબેનનું કુદરતી મોત થયાનું જણાવ્યું હતું અને પોલીસને પણ ચકરાવે ચડાવવા પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને શંકા જતાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. તા.4 ના રોજ મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો પરંતુ તે દિવસે પોસ્ટમોર્ટમ થઇ શકયું ન હતું. તા.પ મી એ પોસ્ટમોર્ટમમાં ગળાટુંપો આપીને હત્યા કરાયાનું સ્પષ્ટ બનતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
કોટડાનાયણી ગામના પંચાયત સભ્યની જાગૃતતાથી સમગ્ર હત્યાનો મામલો બહાર આવ્યો છે અને ગઈકાલે આને આજે પોલીસે જાનુબેનનું રાજકોટ પીએમ કરાવતા બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ બનતા આજે પોલીસ કાફલો કોટડા નાયાણી ખાતે દોડી ગયો હતો અને હત્યારા પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.