રાજકોટથી કાલે રામાયણ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ

  • રાજકોટથી કાલે રામાયણ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ

રાજકોટ તા,6
રાજકોટ રેલવે સ્ટેશનથી આવતીકાલે સ્પેશ્યલ રામાયણ એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવામાં આવનાર છે. દેશના વયોવૃધ્ધ અને ભાવિકજનો આસાનીથી ચારધામની યાત્રા કરી શકે તે હેતુથી શરુ કરવામાં આવેલ ટ્રેનને અદ્ભૂત પ્રતિસાદ મળ્યો છે.
દિલ્હીથી શરૂ કરવામાં આવેલી રામાયણ એક્સપ્રેસ ટ્રેનને પ્રતિસાદ મળ્યા બાદ રેલવે દ્વારા આ પ્રકારની ત્રણ સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. તેમાંથી એક રાજકોટથી સાતમી ડિસેમ્બરે રવાના થશે. આઇઆરસીટીસી દ્વારા ભારત દર્શન સ્પેશ્યલ ટુરિસ્ટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું છે.
આઇઆરસીટીએ દિલ્હીથી રાજકોટ વચ્ચેની રામાયણ એક્સપ્રેસની જાહેરાત જુલાઈ માસમાં કરી હતી. આ ટ્રેન 14મી નવેમ્બરે દિલ્હીથી ઊપડવાની છે. તેને જાહેરાત કરવામાં આવ્યાના થોડા દિવસોમાં 50 ટકા ટિકિટ બુકિંગ થઈ ગયું હતું.
પ્રતિસાદ જોઈને રેલવેએ રાજકોટ, જયપુર અને મદુરાઈથી પણ એક્સપ્રેસ ટ્રેનની ઘોષણા કરી છે. રાજકોટથી ઊપડનારી ટ્રેન અયોધ્યા, સિતામઢી, જનકપુર, વારાણસી, અલ્લાહાબાદ, ચિત્રકુટ અને નાશિકની યાત્રા કરાવશે. રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ અને મેઘનગરથી મુસાફરો ટ્રેનમાં બેસી શકશે. 11 રાત્રી અને 12 દિવસની યાત્રા કરાવવામાં આવશે.