રાજકારણી બનવા હવે ‘ટેસ્ટ’ ફરજિયાત

  • રાજકારણી બનવા હવે ‘ટેસ્ટ’ ફરજિયાત

1 લાખ યુવાનોને રાજનીતિમાં જોડવા લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ લેવાશે : પાસ થનારામાંથી કોઇને ટીકીટ મળશે પટના તા.6
બિહારમાં નીતિશકુમારની રાજકીય પાર્ટી જેડીયુમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનેલા પ્રશાંત કિશોરે રાજનીતિમાં 1 લાખ યુવાઓને જોડવા માટે નવો પ્રયોગ શરૂ કર્યો છે. લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂથી બિહારમાં પ્રથમ વખત યુવાઓને પાર્ટીમાં શામેલ કરવાનું એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો દાવો છે કે પૂરા દેશમાં યુવાઓને સક્રિય રાજનીતિમાં લાવવાની આવી પહેલ હજુ સુધી કરવામાં આવી નથી. એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં પાર્ટીનું આગળનું નેતૃત્વ પણ આ જ સિલેક્ટ થયેલા યુવાઓ દ્વારા કરવામાં આવશે અને 2020ની વિધાનસભામાં આમાંથી જ કોઈ યુવાને ટિકિટ આપવામાં આવશે.
સૂત્રો અનુસાર પાર્ટીમાં નવા મેમ્બર બનવાની સંખ્યા ઘટવાને કારણે ચિંતિત બનેલા પાર્ટી અધ્યક્ષ નીતિશ કુમારે ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરને આ મોરચા પર કામ કરવાનું પ્રથમ ટાસ્ક આપ્યું હતું. પાર્ટી સંગઠનના સ્તર પર રાજ્યમાં આરજેડી અને બીજેપીના મુકાબલે નબળી સાબિત થઈ રહી છે. આ સ્થિતિથી મુકાબલો કરવા સંગઠનનો વિસ્તાર કરવા માટે આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. નવા મેમ્બર બનાવવા માટે પાર્ટીના પ્રશાંત કિશોરના નેતૃત્વ હેઠળ એક ટીમ બનાવાઈ છે. આ માટે એક ટેલિફોનિક લાઈન પણ ચાલુ કરાઈ છે.
જો કોઈ પાર્ટીથી જોડાવા માંગે છે તો તે ફોન કરીને સમય લઈ શકે છે. આ બાદ પટના આવવું પડશે, જેમાં એક રાજનીતિની સમજ હોય અને તેનું જ્ઞાન ચકાસવા માટે એક પ્રશ્નાવલી સાથેનું ફોર્મ ભરવાનું રહે છે. આ ભરેલા ફોર્મને વાંચ્યા બાદ તેમાંથી કેટલાંક યુવાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ યુવાઓની પ્રશાંત કિશોર સાથે એકલામાં મીટિંગ થશે. પ્રશાંત કિશોર સાથે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ બાદ જો યુવકની પસંદગી થઈ ગઈ તો ત્યાર બાદ તેને પાર્ટીમાં જવાબદારી આપવામાં આવશે.
મળતી જાણકારી અનુસાર અત્યાર સુધી 30000થી વધુ યુવકોએ રાજકારણમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ટીમનો દાવો છે કે લોકો પોતાના પૈસા ખર્ચ કરીને રાજનીતિમાં આવવા માંગે છે. આ ટીમમાં જોડાનારાઓની એવરેજ ઉંમર 35 છે. ટીમનો દાવો છે કે આવતા એક વર્ષમાં પૂરા રાજ્યમાં આ જ રીતે મોટું સક્રિય કેડર તૈયાર કરવામાં આવશે.