અંતે અમરેલીની બજારોમાં દીપોત્સવીપર્વની રોનક

અમરેલી, તા. 6
અમરેલી જિલ્લાની બજારોમાં છેલ્લા 3 દિવસથી દીપોત્સવી પર્વનો ઝગમગાટ જોવા મળી રહૃાો છે અને આગામી બુધવાર સુધી બજારોમાં ગ્રાહકોની અવર-જવર જોવા મળશે.
સામાન્ય રીતે નવરાત્રીનાં દિવસોથી જ વેપારીઓ પોતાની દુકાનો-શો-રૂમમાં નવા માલનો ભરાવો કરતાં હોય છે. આખો આસો મહિનો બજારમાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે છેલ્લા એક અઠવાડીયામાં તેજીનો માહોલ જોવા મળી રહૃાો છે.
નોટબંધી, જીએસટી અને ચાલું વર્ષે દુષ્કાળનો માહોલ ઉભો થવાથી નવરાત્રી, દશેરા, શરદપૂનમમાં પણ ઘરાકી જોવા ન મળતાં તેમજ ઓનલાઈન વેપારનું પ્રમાણ વધી જતાં ઓનલાઈન વેપારનું પ્રમાણ વધી જતાં વેપારીઓમાં નિરાશાનો માહોલ ઉભો થયો હતો.
પરંતુ હિન્દુ સમાજનો સર્વોત્તમ તહેવાર દીપોત્સવી હોવાથી ગરીબ, અમીર સૌ કોઈ આ પર્વની ઉજવણી અંતે તો કરે જ છે. આમ આદમી ઉધાર-ઉછીના કરીને પણ તેનાં પરિવારની ખુશી માટે બનતું બધુ જ કરેછે.
આથી અમરેલી જિલ્લાનાં કાપડ, ગારમેન્ટ, કટલેરી, ફુટવેર, ફરસાણ, મીઠાઈ, ફટાકડા સહિતનાં વેપારમાં તેજીનો માહોલ ઉભો થયો છે. અને હવે વેપારીને 30 દિવસનો વેપાર માત્ર એક અઠવાડીયામાં જ કરી લેવાની નોબત આવી છે.
એકંદરે મોડે-મોડે પણ દીપોત્સવ પર્વની ઉજવણીનો પ્રારંભ થતાં વેપાર જગતમાં આનંદનો માહોલ ઉભો થયો છે તે હકીકત છે.