બગસરા યાર્ડમાં ભારે રસાકસીભર્યુ 97 ટકા મતદાન : આજે પરિણામ

અમરેલી, તા. 6
બગસરા માર્કેટીંગ યાર્ડની એક સીટ બિન હરીફ થયા બાદ બાકીની બાર સીટો માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં ખેડૂતો અને વેપારીઓ દ્વારા ખુબ જ ઉત્સાહથી મતદાન કરવામાં આવ્યું હતું. બિનરાજકીય ગણાતા પદને કબ્જે કરવા માટે બંને રાજકીય પક્ષો દ્વારા જોર કરવામાં આવ્યું હતું. વિગત અનુસાર બગસરા માર્કેટીંગ યાર્ડમાં આજરોજ ડિરેકટર પદની ચૂંટણી માટેનો મતદાન યોજવમાં આવ્યું હતું. તેલીબીયા વિભાગની એક સીટ બિન હરીફ થયા બાદ બાકી રહેલી ખેડૂતો વિભાગની આઠ સીટો તેમજ વેપારી વિભાગની ચાર સીટો માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જેમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં ખેડૂત વિભાગમાં 97 ટકા જંગી મતદાન તથા વેપારી વિભાગમાં 9પ ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમિયાન વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જે.વી.કાકડિયા, પુર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી યાર્ડના ચેરમેન સહિતના નેતાઓ ચુંટણી સ્થળ પર હાજર રહયા હતા. આમ તો સહકાર વિભાગમાં કોઈ પક્ષ હોતો નથી પરંતુ કદાવર નેતાઓની ઉપસ્થિતિને કારણેરાજકીય વાતાવરણ પણ ગરમાયું હતું. બને પક્ષો માટે માર્કેટીંગ યાર્ડ ચુંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ચુકી હોય બંને પક્ષો દ્વારા માર્કેટીંગ યાર્ડ કબ્જે કરવા માટે જોર લગાવવામાં આવ્યું હતું. ચુંટણી પૂર્ણ થયા બાદ બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા હતા. જોકે કાલે આવનારા પરિણામ પરથી કોણ ફાવ્યું છે. તેનો આપોઆપ ખુલાસો થઈ જશે.