ધો.3 થી 8માં માર્કસ ઓનલાઈન મુકવાની મુદતમાં વધારો કરાયોNovember 06, 2018

રાજકોટ તા,6
એક પછી એક અઘરા અને અવનવા પ્રયોગો કરી શિક્ષકો તથા વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુક્ત શિક્ષણ વિભાગે ફરી એકવાર પરોઠાનાં પગલાં ભરવા પડ્યા છે. ધો.3 થી 8ની સત્રાંત પરીક્ષાનાં માર્કસ માત્ર પણ જ દિવસમાં ઓનલાઈન મુકવા ફરમાન થયા બાદ શિક્ષણ વિભાગને તે અશક્ય હોવાનું ભાન અંતે પાછલા બારણે મુદત વધારવી પડી હતી.
રાજયની સરકારી પ્રાથમિક શાળાના ધો.3થી 8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના માર્કસ માત્ર ત્રણ દિવસમાં ઓનલાઈન અપલોડ કરવાનો તઘલખી નિર્ણય કર્યો હતો. જેની સામે શિક્ષકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો. જેથી પોતાનો નિર્ણય ઉતાવળભર્યો ના લાગે તેના માટે ડેટા એન્ટ્રીની મુદતમાં પાછલા બારણે વધારો કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાન દ્વારા દરેક જિલ્લાના શિક્ષણાધિકારીઓને એસએમએસ દ્વારા 23મી સુધી મુદત વધારી હોવાની સૂચનાઓ પહોંચતી કરાઈ છે અને આ અધિકારીઓએ સ્કૂલોને પણ મેસેજ પહોંચતો કર્યો છે.
રાજયની સરકારી સ્કૂલોની કથળી ગયેલી શિક્ષણની સ્થિતિ સુધારવાના બદલે કોઇ કારણ વગરના પ્રયોગ કરવા ટેવાઈ ગયેલા શિક્ષણ વિભાગે હવે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના ભુલકાઓની પરીક્ષા ઉપર પણ પ્રયોગ શરૂ કર્યો છે. એક બાજુ પ્રાથમિકમાં બાળકોને નાપાસ કરવાનો નિયમ નથી અને બીજી તરફ પરીક્ષા પધ્ધતિમાં અઘરા પ્રયોગો કરાઈ રહ્યાં છે. બાહ્ય મૂલ્યાંકનનો નિર્ણય ભારે વિરોધ થતા પાછો ખેંચી સુધારો કરવો પડ્યો હતો અને હવે પરીક્ષાના માર્કસની એન્ટ્રી પણ માત્ર ત્રણ દિવસમાં કરવી શક્ય ન હોવાની ફરીયાદો ઉઠતા તેની મુદતમાં પણ વધારો કરવો પડ્યો છે. આમ, સરકારી પ્રાથમિક શાળામાં પરીક્ષાના માર્કસ ઓનલાઈન અપલોડ કરવાના મુદ્દે ફેલાયેલી નારાજગી બાદ હવે ડેટા એન્ટ્રીની મુદતનો વધારો કરી દેવામાં આવ્યો છે.