નકામી વસ્તુમાંથી કામની કલાત્મક કલાકૃતિ બનાવો

બજારમાંથી પૈસા ખર્ચીને ખરીદી કરવાને બદલે ઘરની જુની વસ્તુમાંથી પડદા, કુશન કવર, તોરણ, શોપીસ, કાર્પેટ, ડોરમેટ જેવી અનેકવિધ વસ્તુઓ બનાવી શકાય છે   હાલ દિવાળીના તહેવારોમાં દરેક પોતાના ઘરને સુંદર સજાવટ માટે અનેકવિધ વસ્તુઓની ખરીદી કરે છે પરંતુ બજારમાંથી પૈસા ખર્ચીને ખરીદી કરવાને બદલે સાફસફાઈ દરમિયાન જે નકામી ફેંકી દેવાની વસ્તુઓ હોય તેમાંથી સુંદર વસ્તુઓ બની શકે તો ? જો આપણે ફેંકી દેવાની નકામી વસ્તુઓમાંથી સજાવટની વસ્તુઓ બનાવીશુ તો એક તો આપણે પોતે બનાવ્યાનો આનંદ થશે અને બીજુ એવી અનેક વસ્તુ જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેનાથી બચી શકાશે.
આવી જ નકામી વસ્તુમાંથી અણમોલ વસ્તુઓ બનાવે છે ધ્રુવાબેન અંજારિયા.
જેઓ વેસ્ટ કપડા, મીઠાઈના બોકસ, પેન્સિલના ટુકડા, આઈસ્ક્રમીના કપ, માચીસની ખાલી ડબી, બલ્બ, રંગીન કાચના ટુકડા, ઘઉં ચોખાની ગુણીના કંતાન, જુની સાડી વગેરેમાંથી અફલાતુન અને કોઈ માની ન શકે એટલી સુંદર વસ્તુઓ બનાવે છે. ધ્રુવાબેને કેટલીક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ટીપ્સ આપી છે.
- ઝાડ અને છોડની સુકી ડાળીઓને કલર કરીને તેને સુંદર રીતે ગોઠવીને તેમાં લાઈટીંગ મુકી સુંદર ગોઠવણ કરી શકાય તેમાં પોપટ ચકલી પણ મુકી શકાય.
- નકામા બલ્બનો ઉપરનો મેટલનો ભાગ કાઢીને પ્લાન્ટ મુકી શકાય.
- સુકા નાળિયેરના ટુકડામાં પણ પ્લાન્ટ મુકી શકાય.
- અનાજના કંતાન પર નકામા કપડાના ટુકડા વડે પાઈપીન ફુલો વગેરે ડિઝાઈન કરી તેમાંથી પડદા, ડોરમેટ, ટેબલમેટ, કુશનકવર વગેરે બનાવી શકાય.
- બે કુકરની રિંગને કપડા વડે કવર કરી તેને જોડીને પર્સ બનાવી શકાય. કુકરની રીંગમાંથી ઝુમ્મર પણ બનાવી શકાય.
- બાળકોની નોટબુકના પુઠાને પલાળીને તેમાં ચોક, પાવડર, ગમ મિકસ કરી જુદા જુદા શેઈપના ફુલો તેમજ આકૃતિ બનાવવી.
- નકામી ઈંજેકશનની સીરીંજમાંથી કલાત્મક પડદો પણ બનાવી શકાય છે.
તો આ દિવાળીએ નકામી ચીજવસ્તુઓમાંથી કામની અને કલાત્મક વસ્તુઓ બનાવી ઘરને સજાવો.