જુનાગઢમાં મકાનના સોદામાં ખરીદદાર સાથે 22.50 લાખ રૂપિયાની છેતરપિંડી

જુનાગઢ, તા. 6
જુનાગઢમાં રહેણાંક મકાનનું કબજા વગરનું સાટાખટ ચાર વર્ષ અગાઉ કરી દઈ રૂા.22,50,000 મેળવી લીધા છતા દસ્તાવેજ નહી કરી આપી છેતરપીંડી કરી ઉપરથી છેતરપીંડી કરનારની પત્ની દ્વારા ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી અપાયાનો ગુનો સી. ડીવીઝન પોલીસમાં નોંધાવા પામ્યો છે.
શહેરના ટીંબાવાડી દ્વારકેશનગરમાં રહેતા ધિરજલાલ પ્રભુદાસ પંડયા નામના વૃદ્ધે શહેરના શ્રીનગર સોસાયટીમાં રહેતા ભીખાભાઈ મેપાભાઈ ચુડાસમા પાસેથી ટીંબાવાડીના સર્વે નંબર વાળુ રહેણાંક મકાન લેવાનું હોવાથી ભીખાભાઈ ચુડાસમાએ રૂા.22.50 લાખ મેળવી લઈ કબજા વગરનું સાટાખત નોટરી સમક્ષ કરી આપ્યા બાદ અવાર-નવાર કહેવા છતા ભીખાભાઈ ચુડાસમાએ 4 વર્ષ જેટલો સમય વીતી ગયા છતા દસ્તાવેજ નહી કરી આપતા ધિરજલાલ પંડયા છેતરાયા હોવાનું જણાતા તથા ભીખાભાઈના પત્ની ભાનુબેને આ બાબતે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિપ્ર વૃદ્ધ સદગૃહસ્થે જુનાગઢના ચુડાસમા દંપતી સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત સહિતની બાબતે સી. ડીવી. પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.