ભાવનગર જિ.પં.ના ભાજપ - કોંગ્રેસનાં સભ્યોએ બાજા-બાજી કરી પગાર વધાર્યો

ભાવનગર તા,6
ભાવનગર જિલ્લા પંચાયતની ગઈકાલે મળેલી સામાન્યસભા તોફાની બની હતી. એક તબક્કે ભાજપ અને કોંગ્રેસનાં સભ્યો સામ-સામે આવી જતા વાતાવરણ તંગ બની ગયુ હતું. કોંગી સભ્યોએ સાશકપક્ષ સામે ગંભીર આરોપો મુકી વિરોધ કર્યો હતો.
ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક સોમવારે સવારે 11 કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સભામાં કુલ 6 જેટલા તુમારો રજુ થયા હતા. જે તમામ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.
આજે મળેલી સામાન્ય સભામાં ગત સભાની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવી. થયેલા ઠરાવો અને લીધેલા નિર્ણયની અમલવારી નોંધને બહાલી આપવી. ગત મળેલી જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહીને બહાલી આપવી. જિલ્લા પંચાયતને મળતી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને બહાલીની અપેક્ષાએ મંજુરી કરવા જિલ્લા પંચાયતને મળતી રેત, કકર, ગ્રેવલ અને અન્ય ગૌણ ખનિજ ઉપર મળતી રોયલ્ટી અને ડેડરેન્ટની આવકના અનુદાનમાંથી વિકાસના કામોને મંજુરી આપવા સહિતના ઠરાવો રજુ થયા હતા. આ તમામ ઠરાવોને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી.
જ્યારે આ સભામાં રેતી, કંકર, ગ્રેવર અને અન્ય ગૌણ ખનિજ ઉપર મળતી રોયલ્ટી અને ડેડરેન્ટની આવકના અનુદાનમાંથી વિકાસના કામોને મંજુરી બાબતે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભારે દેકારો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ એવી રજૂઆત કરી હતી કે ગત સામાન્ય સભામાં રેતી કંકર ગ્રાન્ટમાંથી રૂા.2 કરોડ 1 લાખના કામો અંગે ઠરાવો થયા હતા. જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારી મારફતે કાયદાકિય રીતે અસંમતિ દર્શાવી પ્રતિષેધ કરવામાં આવ્યો હતો. તે જુના 2 કરોડ અને 6 લાખનો ઠરાવ અને નિર્ણય કરવાની સત્તા આજે મળેલી સામાન્ય સભાની બેઠકમાં સતાધારી ભાજપ પક્ષની કારોબારી સમિતિને આપવા નિર્ણય કરાતા કોંગ્રસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.
તે જ રીતે દરેક ચૂંટાયેલા સભ્યોએ પગાર વધારો હર્ષ ભરે સ્વિકાર્યો હતો. તેવી જ રીતે ચેમ્બરોમાં એ.સી.ગોઠવવા અને ઠંડક માટે સર્વાનુમતિએ સ્વીકૃતિ થઈ હતી. જેથી દર 2 મહિને જિલ્લા પંચાયતે 2થી 2.5 લાખનું લાઈટ બીલ ચુકવવુ પડશે. જે ભાવનગરની પ્રજા ઉપર સર્વાનુમતે ધાબડી દેવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન મકવાણા, ઉપપ્રમુખ ડી.કે.ગોહીલ, પેથાભાઈ આહિર, ભરતભાઈ હડિયા તેમજ કોંગ્રેસના સદસ્યો વિપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલ, પૂર્વ નેતા સંજયસિંહ સરવૈયા, ગોવિંદભાઈ મોરડિયા, મહેશ કાકડિયા સહિતના સદસ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી વરુણ કુમાર બનરવાલ, ડેપ્યુટી ડી.ડી.ઓ. સી.બી.રાઠવા, વસાવા સહિતના અધિકારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.