મોરબી : 3500 બાળકોને મીઠાઈ-ફટાકડા વિતરણNovember 06, 2018

મોરબી તા,6
સેલ્ફીમાં રાચતો આજનો માનવી સંવેદના હિન બની પોતાનું વિચારવામાં મશગુલ બન્યો છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સમાજના છેવડાના માનવી અને તેમાં પણ ખાસ કરીને ગરીબ બાળકો પણ અન્ય બાળકોની જેમ આનંદ ઉઠાવી મીઠાઈ ખાઇ ફટાકડા ફોડી શકે તે માટે આજે ઝૂંપડપટ્ટીના 3500 બાળકોને હલવાનું મનભાવન ભોજન કરાવી ફટાકડા વિતરણ કરાયું હતું. યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના જણાવ્યા મુજબ દિલના દીવાઓ પ્રજલિત કરી આનંદના અજવાળા કરવાનો અવસર એટલે દિવાળીનો તહેવાર, દિવાળી અને નવું વર્ષ એ માત્ર કેલેન્ડર બદલવાની ઘટના નથી પણ એક નવી શરૂઆત કરવાનો અવસર છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં રહેતા જરૂરિયાતમંદ 3500 જેટલા નાના બાળકોને ધનતેરસના દિવસે વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવા સાથેનું ભોજન જમાડીને દિવાળીની ઉજવણી કરી અને આવનાર નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ સાથે જીંદગી ને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની એક નાનકડી કોશિશ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બાળકોને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ હજુ દિવાળીના દિવસ સુધી ચાલુ રાખવામાં આવનાર હોવાનું દેવેનભાઈએ અંતમાં જણાવ્યું હતું.