એ દિવ્ય વ્યક્તિત્ત્વનું થયુ હતું અવનિ પર અવતરણ

રાજકોટ,તા.7
એ સમય હતો વિ.સં.1969નો સૌરાષ્ટ્રના નાનકડા ગામ પરબવાવડીમાં નાના - નાના માટીના ઘરોમાં દીવડા ઝગમગી રહ્યા છે. દુકાનોનાં ચોપડાપૂજન થઈ રહ્યા છે. ત્યાં જ એક બાળક થાળી વગાડતો ખુશખબર વહેંચવા દોડીને આવી રહ્યો હતો. ખુશખબર એ હતા કે ગામના માધવજીભાઈ રૈયાણી અને જમકુબેનને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો હતો. પુત્ર જન્મથી બધા ખુશ તો હતા પરંતુ એ સમયે કોઈને ખબર નહોતી કે આ આત્મા અનેક જીવોનો તારણહાર બની પોતાની આભા વિશ્ર્વમાં ફેલાવશે. આ બાળક એટલે તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.
બાળપણમાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણલાલજી મ.સા.ના સાંનિધ્યમાં એક અલગ ચેતનાનો અનુભવ થયો. ગુરુદેવ પ્રત્યે થયેલ આધ્યાત્મિક આકર્ષણે તેમને 17માં વર્ષે સંયમ માર્ગે જવા પ્રેર્યા. ફાગણ વદ પાંચમ ગુરુવારના વિ.સં.1989માં જૂનાગઢ ખાતે દીક્ષા ગ્રહણ કરી. પૂ.ગુરુદેવનો વ્યવહારિક અભ્યાસ પાંચ ધોરણ સુધીનો હતો પરંતુ આધ્યાત્મિક અભ્યાસ અને તપમાં તેઓ અગ્રેસર હતા. 19 આગમ કંઠસ્થ કર્યા હતા. શ્ર્વેતાંબર, દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય અને વ્યાકરણ સાહિત્યના અભ્યાસ ઉપરાંત નિરંતર જાગૃત દશાએ આત્મ સાધનામાં રમમાણ રહેતા હતા.
ઉપરાંત વડીલ, વૃધ્ધ, સંતોની સેવામાં પરમ સુખ માનતા સતત 19 વર્ષ એકાંતર ઉપવાસ, 999 આયંબિલ તપ, 19 વર્ષ પાણીનો ત્યાગ, 9 વર્ષ મકાઈ સિવાય શેષ અનાજનો ત્યાગ જેવી ઉગ્ર તપ, સાધના કરી હતી.
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ વગેરે ક્ષેત્રમાં વિહાર દરમિયાન 145 મુમુક્ષુઓને અણગાર બનાવ્યા.
તેઓ વિશાળ હૃદયવાળા, સહિષ્ણુ અને સમાધાનવૃતિવાળા હતા. તેમના ભકતોની સંખ્યા વિશાળ હતી. તેઓનું અંતિમ ચાતુર્માસ રાજકોટ. શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે હતું. અંતિમ સમયે પૂજ્ય નમ્રમુનિ મ.સા. શાતા ઉપજાવવા ખડે પગે સેવા કરી હતી. તા.8-2-1998 રવિવારે મધ્યાહન કાળે 1:35 કલાકે તેઓએ મહાપ્રયાણ કર્યુ. ‘તપસમ્રાટ તીર્થધામ’ રાજકોટ - અમદાવાદ હાઈ-વે પર તેમનું અંતિમ ક્રિયાસ્થાને આજે પણ ભાવિકો તેમના દર્શન કરી ઉર્જા મેળવે છે. આજે પણ તેમને યાદ કરતા તેમના પરમાણુ અનુભવી શકાય છે.   નમ્રમુનિ ભલે નરમ રહ્યા પણ કુશળતા ઘણી છે: પૂજ્ય રતિગુરુ એક દિવસ બધાં સંત-સતીજીઓ બેઠાં હતાં. સામાન્ય વાતચીત થઇ રહી હતી. કોઇએ કહ્યું, આ નમ્રમુનિ બહુ નબળા છે. વધારે સેવા વૈયાવચ્ચ ન થઇ શકે. તરત જ પૂ.ગુરુદેવે પાટી હાથમાં લીધી અને લખ્યું, ‘ભલે નરમ રહ્યાં, પણ આવડત અને કુશળતા ઘણીછે, એટલે સફળ થશે.’
આવા વચન સિધ્ધ હતાં તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ!! એમના મુખમાંથી નીકળેલો શબ્દ ક્યારેય મિથ્યા ન થાય.!
આજે પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં અનેક લોકો આત્મજ્ઞાન મેળવી પોતાના જીવનને સાર્થક કરી રહ્યા છે. પૂજ્ય નમ્રમુનિ મ.સા.ને આજે મનમાં એક અફસોસ છે કે એમને ગુરુ મળ્યા પણ એમના કાને ગુરુનો અવાજ સાંભળી ન શક્યા કારણ કે એ પહેલા જ એમણે આજીવન મૌનના પચ્ચખાણ લઇ લીધા હતા. ભલે તેમણે તેમનો અવાજ સાંભળ્યો નથી પરંતુ અંતરની વાણી તો આજે પણ તેમને સંભળાય છે.