વીર પરમાત્માની અંંતિમ દેશના : ઉત્તરાધ્યયન સૂત્ર

(દિવસ-3)
ઉત્તરાધ્યયન સૂત્રનું મહાવીર પરમાત્માની અંતિમ દેશના રૂપે પ્રભુની વાણીને જૈનો શ્રધ્ધાપૂર્વક સ્વાધ્યાય કરે છે.
એક યોજનના વિસ્તારવાળા સમવસરણમાં તીર્થનાથના પ્રભાવથી, કોટાનું કોટિ પ્રાણીઓ નિરાબાધપણે સમાય છે.
પ્રભુની દેશના-વાણી યોજનગામિની વાણી હોય છે. એટલે કે 1 યોજન સુધી સંભળાય છે-પ્રસરે છે.
સર્વભાષામાં સમજાય છે.
માલકૌંસ રાગમાં હોય છે.
પાંત્રિસ અતિશયયુક્ત વાણી હોય છે.
આજે અંતિમ અધ્યયન જોઇએ.
25 : યજ્ઞીય: 45 ગાથાના આ અધ્યયનમાં જયઘોષમુનિ યજ્ઞમંડપમાં બ્રાહ્મણોની સાથે સંવાદ કરતાં બ્રાહ્મણોનું સ્વરૂપ, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા વગેરે સમજાવી અને કર્મથી જાતિવાદની સ્થાપના કરીને સાધુના આચારનું વર્ણન કરે છે. તેની 19 થી 29 ગાથાઓના અંતમાં ‘તં વયં બૂમ માહણં’ પદનું પુનરાવર્તન છે. ‘સભિક્ષુ’ અને ‘પાપશ્રમણીય’ અધ્યયનની જેમ આનું નામ ‘સબ્રાહ્મણ’ રાખી શકાય. પરંતુ બ્રાહ્મણોનું મુખ્યકર્મ યજ્ઞને દ્રષ્ટિમાં રાખી, યજ્ઞવિષયક આધ્યાત્મિક વ્યાખ્યા કરનારું હોવાથી આનું નામ યજ્ઞીય રાખ્યું છે.
26: સામાચારી : 53 ગાથાના આ અધ્યયનમાં સાધુ મહારાજની સામાન્ય દિનચર્યાનું અને રાત્રિચર્યાનું વર્ણન હોવાથી આનું નામ ‘સમાચારી’ રાખ્યું છે.
27: ખલુંકીય : ખલુંકનો અર્થ છે- દુષ્ટબળદ. 17 ગાથામાં દુષ્ટ બળદના દ્રષ્ટાંત દ્વારા અવિનીત શિષ્યોની ક્રિયાઓનું વર્ણન છે. તેથી આનું નામ ખલુંકીય આપ્યું. પ્રસંગોપાત્ત વિનીત સાધુનાં કર્તવ્યોનું પણ કથન કરેલ છે.
28: મોક્ષમાર્ગ-ગતિ : આ અધ્યયનમાં મોક્ષના માર્ગ-સ્વરૂપ રત્નત્રયીનું વર્ણન છે. તેથી તેનું નામ મોક્ષમાર્ગગતિ રાખ્યું છે. આમાં 36 ગાથા છે.
29: સમ્યક-પરાક્રમ: આમાં દર્શન, જ્ઞાન, ચારિત્રનાં વિભિન્ન તત્ત્વોને નજર સમક્ષ રાખી 73 પ્રશ્ર્નો અને 73 ઉત્તરોમાં આધ્યાત્મિક વિકાસની સીડીઓ બતાવી છે. સંપૂર્ણ અધ્યયન ગદ્યબધ્ધ છે.
30 : તપોમાર્ગ : આ અધ્યયનમાં 37 ગાથાઓ છે. તેમાં તપશ્ર્વર્યાનું વર્ણન હોવાથી તેનું નામ તપોમાર્ગ રાખ્યું છે.
31: ચરણવિધિ : 21 ગાથાના અધ્યયનમાં 1 થી લઇને 33 સંખ્યા સુધી દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાનું પ્રતિપાદન છે. પ્રથમ ગાથામાં ચારિત્રની વિધિના વર્ણનની પ્રતિજ્ઞા હોવાથી આનું નામ ‘ચરણ વિધિ’ રાખ્યું છે અને અંતમાં 33 બાબતોમાં જે હંમેશા ઉપયોગી છે, તે દરેક પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરે છે, તેવા સાધુ સંસારમાં પરિભ્રમણ કરતા નથી, એમ દર્શાવ્યું છે.
32: પ્રમાદ સ્થાનીય : આમાં 111 ગાથાઓ છે. તેની 21મી ગાથામાં વર્ણિત વિષયનો જ આગળની ગાથાઓમાં વિસ્તાર થયો છે. ઈન્દ્રિયોની રાગ-દ્વેષમય પ્રવૃતિને પ્રમાદસ્થાનીય માનીને આ અધ્યયનનું નામ પ્રમાદસ્થાનીય રાખ્યું છે. આમાં મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો તરફ પ્રવૃત્ત ઈન્દ્રિયોની વૃત્તિને નિરોધ કરવાનો મુખ્ય ઉપદેશ છે.
33: કર્મ પ્રકૃતિ : આ અધ્યયનમાં 25 ગાથા છે. તેમાં કર્મોની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન હોવાથી આનું નામ કર્મપ્રકૃતિ રાખવામાં આવ્યું છે.
34: લેશ્યા : આમાં કર્મોની સ્થિતિમાં વિશેષરૂપે સહાયક લેશ્યાઓનું વર્ણન હોવાથી આનું નામ લેશ્યા અધ્યયન છે. 61 ગાથાઓમાં લેશ્યાઓનું દ્રવ્ય ભાવાત્મક વર્ણન કરવામાં આવ્યું છે.
35: અનગાર : અણગારનો અર્થ છે - ઘર છોડેલ સાધુ. 21 ગાથામાં સાધુના ગુણોનું વર્ણન છે. તેથી તેનું નામ અણગાર રાખવામાં આવ્યું છે.
36: જીવાજીવવિભક્તિ : જીવવિભાગ અને અજીવવિભાગનું ભેદ-પ્રભેદ સહિતનું વર્ણન હોવાથી આનું નામ જીવાજીવ વિભક્તિ રાખ્યું છે. આમાં 269(268, 274) ગાથાઓ છે. આ સૌથી મોટું અધ્યયન છે. અંતમાં જીવનને સમાધિમય બનાવી સમાધિમરણ (સંલેખના)નું પણ વર્ણન છે અને અંતિમ ગાથામાં બતાવ્યું છે કે પ્રભુ મહાવીરે આ તત્ત્વો અને ઉપદેશ કહેલ છે, અધ્યયનોની 36 સંખ્યાનો સંકેત પણ અંતિમ ગાથામાં કરવામાં આવ્યો છે.
-પૂજય સાધ્વી
શ્રી શીલરત્નાશ્રીજી મ.સ.
જિન આજ્ઞા વિરૂધ્ધ કાંઇ પણ લખાયુ હોય તો મિચ્છામિદુકકડમ્
(ક્રમશ:)