દિવાળીની ભેટ: ભારતે ટી-20 શ્રેણી પણ જીતી

લખનઊ તા. 7
ભારતે ગઈ કાલે વેસ્ટ ઇન્ડિઝને ત્રણ મેચવાળી શ્રેણીની બીજી ટી-ટ્વેન્ટીમાં 71 રનથી હરાવીને 2-0ની સરસાઈ સાથે શ્રેણીની ટ્રોફી પર પણ કબજો કરી લીધો હતો. ગયા મહિને ભારતે કેરેબિયનોને ટેસ્ટ-શ્રેણીમાં 2-0થી અને વન-ડે સિરીઝમાં 3-1થી હરાવ્યા હતા. કેરેબિયનો ખાલી હાથે સ્વદેશ પાછા જશે.
કાર્લોસ બ્રેથવેઇટના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝે 196 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં 9 વિકેટે 124 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (અણનમ 111, 61 બોલ, 7 સિક્સર, 8 ફોર) ગઈકાલનો સુપરસ્ટાર હતો. તેણે કેટલાક નવા વિક્રમો બનાવ્યા હતા. કેરેબિયન ટીમમાં ડેરેન બ્રાવોએ બનાવેલા 23 રન હાઇએસ્ટ હતા. મુખ્ય બેટ્સમેન અને ઓપનર શેઇ હોપ ફક્ત 6 રન, શિમરોન હેટમાયર 15 રન બનાવીને આઉટ થયો હતો. ભારત વતી ભુવનેશ્ર્વર કુમાર, ખલીલ એહમદ, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. કૃણાલ પંડ્યાને 23 રનમાં વિકેટ નહોતી મળી. એક પ્લેયર રનઆઉટ થયો હતો. એ પહેલાં, ભારતે બેટિંગ મળ્યા પછી 20 ઓવરમાં બે વિકેટે 195 રન બનાવ્યા હતા જેમાં રોહિતના અણનમ 111 રન ઉપરાંત ધીમે-ધીમે ફોર્મમાં આવી રહેલા શિખર ધવને 43 રન તથા લોકેશ રાહુલે અણનમ 26 રન બનાવ્યા હતા. રિષભ પંત પાંચ રન બનાવીને આઉટ થયો હતો. કેરેબિયન ટીમ વતી માત્ર ખેરી પીઍરને એક અને ફેબિયન ઍલનને એક વિકેટ મળી હતી.
રોહિત શર્માએ ગઈ કાલે સાત સિક્સર ફટકારીને ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ્સમાં સૌથી વધુ સિક્સરો ફટકારનારાઓમાં બીજું સ્થાન ધરાવતા બ્રેન્ડન મેક્લમને ઓળંગી લીધો હતો. મેક્લમની 91 સિક્સર છે, જ્યારે રોહિત તેને પાર કરીને 96 છગ્ગાના આંકડા પર પહોંચી ગયો છે. ક્રિસ ગેઇલ તથા માર્ટિન ગપ્ટિલ સૌથી વધુ 103-103 સિક્સર સાથે મોખરે છે અને રોહિત શર્મા 96 છગ્ગા સાથે બીજા નંબરે છે. આખરી ટી-ટ્વેન્ટી રવિવાર, 11મી નવેમ્બરે ચેન્નઈમાં રમાશે.