શ્રીશ્રી રવિશંકર મહારાજનું આગમન, સાંજે અષ્ટલક્ષ્મી યજ્ઞNovember 07, 2018

રાજકોટ તા.7
આર્ટ ઓફ લીવીંગ પરીવાર દ્વારા દીપાવલી પર્વમાં સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમોનું આયોજન શ્રીશ્રી રવિશંકરજી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. ગઇકાલે ગોંડલમાં મંદિરે પૂજન કર્યા બાદ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહારૂદ્રપુજા તથા સત્સંગનું ભવ્ય આયોજન સંપન્ન થયું હતું.
આ કાર્યક્રમ બાદ રાજકોટ ખાતે દીપાવલી પર્વના પાવન દિને અષ્ટલક્ષ્મી યજ્ઞ માટે શ્રીશ્રી રવિશંકર મહારાજનું આગમન રાજકોટ ખાતે થયું હતું અને સાંજે 5.30 વાગ્યાથી ભવ્યાતિભવ્ય અષ્ટલક્ષ્મી હોમ ખુબ જ પવિત્ર વાતાવરણમાં કરવામાં આવશે. રાજકોટમાં રેસકોર્ષ ખાતે 10000 સ્કવેર ફીટ જગ્યામાં આ સમગ્ર આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 1 લાખ લોકો આ હવનનો લાભ લેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજકોટમાં પ્રથમ વખત આટલું ભવ્ય આયોજન થઇ રહ્યું છે ત્યારે સાધકોમાં ખુબ જ ઉત્સાહ છે. આ ભવ્ય આયોજનને લઇને આર્ટ ઓફ લીવીંગ પરીવાર તેમજ સમગ્ર રાજકોટમાં આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. શ્રીશ્રી રવિશંકરજીના સાનિધ્યમાં દીપોત્સવનો લાભ લેવા સાધકો ખુબ જ ઉત્સાહિત છે. અષ્ટલક્ષ્મી હોમને હવે થોડા કલાકો બાકી છે ત્યારે આ સમગ્ર આયોજનને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આજે સવારે 11 વાગ્યે શ્રીશ્રી રવિશંકર મહારાજનું આગમન થતા તેમને સત્કારવા સાધકો એરપોર્ટ પહોચ્યા હતા. ખુબ જ પવિત્ર વાતાવરણમાં યોજાનાર અષ્ટલક્ષ્મી હોમ, દિવાળી પુજન અને મહાસત્સંગમાં ઉપસ્થિત રહેવા સમગ્ર આર્ટ ઓફ લીવીંગ પરીવાર તરફથી આમંત્રણ આપવામાં આવે છે.