માળીયા હાટીનાથી તાલાલા જતી એસ.ટી.બસના રૂટ કેન્સલ કરાતા લોકોમાં રોષ

જૂનાગઢ તા,7
માળીયાહાટીનાથી તાલાળા તરફ ગીર વિસ્તારમાં જતી એસટીબસનાં રૂટો વારંવાર કેન્સલ કરવામાં આવતા એસ.ટી.તંત્રની ધોર બેદરકારી સામે ગીર વિસ્તારા મુસાફરોમાં રોષ ફાટી નિકળ્યો છે. આ અંગે 10 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઘણા લાંબા સમયથી એસટી તંત્ર દ્વારા ગીર વિસ્તાર મુસાફરો સાથે ઓરમાયુ વર્તન દાખવી છાસવારે ગીર વિસ્તારના સારી એવી કમાણી કરી આપતા બસ રૂટ કેન્સલ કરવામાં આવે છે. જેના કારણે એસટી નિગમને નુકશાન વેઠવું પડે છે. એસટીતંત્રની અણઆવડતના કારણે મુસાફરો 6/45 કલાકે ઉપડતી માળીયા અમરપુર તાલાળા, બપોરના એક કલાકે ઉપડતી માળીયા અમરાપુર તાલાળા, બપોરના એક કલાકે ઉપડતી કેશોદ તાલાળા, સાંજના 5/15 કલાકે ઉપડતી કેશેાદ આંબળાશ રૂટની બસો છાસવારે કેન્સલ કરવામાં આવતી હોવાથી ગીર વિસ્તારમાં આવતા-જતા મુસાફરો તેમજ તાલુકા મથકે અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો હેરાન પરેશાન થાય છે. આ અંગે એસટી તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.