‘સંગઠન’નું સૂરસૂરીયું : ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું અધ્ધરતાલ

રાજકોટ તા,7
લોકસભા ચૂંટણી હવે નજીક ને નજીક આવી રહી છે. છતાં ગુજરાતમાં ખુદ પ્રદેશ કોંગ્રેસનું માળખું જ હજુ અધ્ધરતાલ છે.
ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદરના ડખાંને કારણે પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની રચનામાં ફરી અવરોધ સર્જાયો છે. સારા નહીં પણ મારાને સમાવવાની રાજકીય જીદને લીધે પ્રદેશ કોંગ્રેસનું માળખુ જાહેર થવાના સમયે જ અટકી પડયુ છે.
સત્તાવિહોણી કોંગ્રેસના હોદ્દા લેવા ય જાણે હોડ જામી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી જઇને યાદી આપી આવ્યા છે.જોકે,યાદીમાં સમાવેશ નેતાઓનો બાયોડેટા ય હાઇકમાન્ડે માંગ્યો છે કેમ કે,આ વખતે ખુદ રાહુલ ગાંધીએ એવી સૂચના આપી છેકે,પાયાના કાર્યકરોને સંગઠનમાં સમાવો. પ્રદેશ કોંગ્રેસના નેતાઓના મામકાઓ જ સંગઠનમાં ગોઠવાઇ માત્ર હોદ્દાઓ ભોગવે છે એવી ઘણી ફરિયાદો હાઇકમાન્ડને મળી છે.
પ્રથમ નવરાત્રીના શુભ મુહુર્તમાં નવુ માળખુ જાહેર કરવા નક્કી કરાયુ હતું પણ મેળ પડયો નહીં. આ ઉપરાંત દિવાળીના બે દિવસ પહેલાં સંગઠન જાહેર કરી દેવા આયોજન ઘડાયુ હતું જેના કારણે કાર્યકરો,નેતાઓ હોદ્દો મેળવવા કાગડોળે રાહ જોઇ રહ્યા હતાં પણ કઇ થઇ શક્યુ નહી.હવે દિવાળી બાદ માળખુ જાહેર થાય તેમ છે. આમ,આંતરિક ખેંચતાણને કારણે નવુ માળખુ જાહેર થવામાં ફરી એકવાર વિલંબ થયો છે.