ગોંડલના મોવીયામાં કાળીચૌદશની ગેરમાન્યતા વિશે માર્ગદર્શન અપાયું

રાજકોટ તા.7
ભારતમાં સદીઓથી કાળીચૌદશની ખોફનાક વાતો, અંધશ્રધ્ધા, ગેરમાન્યતાઓ, કુરીવાજો સામે ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ ભય, ડર, અંધશ્રધ્ધા દુર કરવાના કાર્યક્રમોમાં હજારો-લાખો લોકોએ સ્મશાનની મુલાકાત લઇ વૈજ્ઞાનિક અભિગમ - દ્રષ્ટીકોણના દર્શન કરાવ્યો હતો. રાજ્યના 815 નાના-મોટા નગરોના સ્મશાનના ખાટલે કકડાટના વડા, મેલીવિદ્યાનો નાશ, અંધશ્રધ્ધાનો દેશવટો, કુરીવાજોને તીલાંજલી આપી સામાજીક ચેતનામાં લોકો સ્વયંભુ ભાગીદાર બન્યા હતા. ગોંડલ તાલુકાના મોવીયા ગામમાં સ્મશાનમાં પાંચ હજાર ગ્રામજનોએ હાજરી આપી વહેમ, અંધશ્રધ્ધા, ચમત્કારો, કુરીવાજોને કાયમી જાકારો આપ્યો હતો. ગામમાં પરીવારોએ કકડાટ વડા ચોકમાં મુકવાની પ્રથાને કાયમી તિલાંજલી આપી હતી.
મોવીયા ગામમાં સૌપ્રથમ મુખ્ય ચોકમાં લોકો એકત્ર થઇ મેલીવિદ્યાની નનામી, ભુતપ્રેતનું સરઘસ, સામાજીક જાગૃતિ માટે મશાલ સરઘસ માટે એકત્ર થઇ રેલી સ્વરૂપે સ્મશાનમાં આવી સ્મશાનના ખાટલે મેલીવિદ્યાને પાટુ મારી ભસ્મીભૂત કરી તેના ઉપર બનાવેલી ચાની ચુસ્કો બહેનો-ભાઇઓએ લગાવી હતી. સ્મશાનના ખાટલે વડા આરોગી નાસ્તો કર્યો હતો. સમગ્ર ગ્રામજનોએ હાજરી આપી અંધશ્રધ્ધાને દેશવટો આપવા સંકલ્પ કર્યો હતો. ગામનું સ્મશાન નાનું પડયું હતું. લોકોએ કાળીચૌદશને દિવાળી પર્વની જેમ ઉજવણી કરી હતી. રેલી વખતે રોડની બન્ને બાજુ હજારો લોકોએ ઐતિહાસિક કાર્યક્રમ નિહાળ્યો હતો. લોકોમાં અનેરો ઉત્સાહ આંખે વળગતો હતો.
કાળીચૌદશનું ઉજવણીનું મુખ્ય ઉદ્દઘાટનમાં નટુભાઇ ભાલાળા, રમેશભાઇ જન, જયસુખભાઇ કાલરીયા, અશ્ર્વિનભાઇ ભાલાળા, કુરજીભાઇ ભાલાળા, કિશોરભાઇ અંદીપરા, સુરેશભાઇ ભાલાળા, જેન્તીભાઇ ભાલાળા, ચિરાગભાઇ દુદાણી, વાઘજીભાઇ પડારીયા, ધીરૂભાઇ સોરઠીયા, રાજુભાઇ પાનસુરીયા, પટેલ સ્કુલ, સર્વોદય સ્કુલ, ન્યારી સ્કુલ, વિવેકાનંદ સ્કુલ, યોગી ગુરૂકુળ, સદ્દગુરૂ ધુનમંડળ, પ્રણામી યુવક મંડળ, ખોડલ ગ્રુપ, સહયોગ ગ્રુપના પ્રતિનિધિઓને ભાગ લીધો હતો.
જાથાના કાર્યક્રમમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ પૃથ્વીપરી રસીકપરી ગોસ્વામી, હરેશ રામજી ચાંડપા, સંજયભાઇ જેસુખભાઇ ચાંડપા, જગદીશભાઇ ખીમજીભાઇ, ધર્મેન્દ્રસિંહ ઉદયસિંહ જાડેજા હેડ કોન્સ., પ્રણવ ભગવાનજીભાઇ હેડ કોન્સ., એચ.એ.ઝાલા, પો.કોન્સ. કાયદો-વ્યવસ્થા માટે હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઇ જન, નટુભાઇ ભાલાળાએ કર્યુ હતું.