ભાવનગરમાં કરોડો રૂપિયાનું ચીટીંગ કરનાર ‘કીમ’ કંપનીના માલીકની ધરપકડ

ભાવનગર તા.7
ભાવનગરમાં ચકચાર મચાવનાર કીમ ફયુચર વિઝન નામની કંપનીની ઓફીસ શરૂ કરી એજન્ટો મારફત ભાવનગરનાં નિવૃતો, સરકારી અધિકારી, કર્મચારીઓ, વેપારી અને ગરીબ-મધ્યમ વર્ગ પાસેથી લલચામણ ઓફરો કરી રૂા.65 કરોડથી વધુ રકમ લઇ નિયત મુદ્દતે પરત ચીટ કરી ચીટીંગ થયાનો પર્દાફાશ થયા બાદ ભાવનગર સી ડીવીઝન પોલીસે આ અંગે કંપનીનાં માલીક રવિન્દ્ર એસ. સંઘ ભાવનગર સ્થિત કંપનીનું સંચાલન કરનારા કાનજી રાણાભાઇ ખમલ અને જેંતીભાઇ રાઠોડ સામે ફરીયાદ નોંધી હતી અને ભાવનગરનાં ખમલ અને જે.બી.ની ધરપકડ કરી હતી. જે હજુ 535 જામીન નોટ મળતા જેલમાં જ છે. દરમ્યાન કીમ કંપનીનાં માલીક રવિન્દ્ર સંઘને પંજાબમાંથી પોલીસે ઝડપી લીધા બાદ ભાવનગર પોલીસે ટ્રાન્સફોર્ટ વોરંટને આધારે ભાવનગર લઇ આવી છે અને કરોડોનાં ચીટીંગ મારફતે ઝીણવટભરી પુછપરછ હાથ ધરી છે. આ કૌભાંડની તપાસ ચલાવી રહેલા સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં તપાસનીસ અધિકારી પી.આઇ. ઝાલાનાં જણાવ્યા મુજબ કીમનાં રવિન્દ્ર સંઘુને કોર્ટમાં રજુ કરી 10 દિવસનાં રીમાન્ડ મેળવવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાનાં આ ચીટીંગ પ્રકરણમાં ખાસ કરી ભાવનગરનો વાળંદ સમાજ વધુ ભોગ બન્યો છે. અનેક એજન્ટો મારફત કરોડો રૂપિયા ડુબી જતાં નાના-મોટા અનેક રોકાણકારોની દિવાળી બગડી છે અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.