દેવળિયા ઝોનમાં ‘વનરાણી’: સિંહદર્શન કરાવશે 25 મહિલા ટૂરિસ્ટ ગાઈડ

જૂનાગઢ તા,7
આ વખતે તમે સિંહદર્શન માટે દેવળીયા જાઓ તો બન શકે કે જિપ્સીમાં તમારી સાથે જંગલ અને વન્યજીવની જાણકારી આપનાર ગાઈડ તરીકે તમે કોઇ મહિલાને જૂઓ! ગીરમાં પ્રવાસીઓને સિંહદર્શન કરાવવા માટે પહેલીવાર મહિલા ટૂરિસ્ટ ગાઇડની ભરતી કરવામાં આવી છે. 16મી ઓક્ટોબરે ગીરનું જંગલ સહેલાણીઓ માટે ખૂલ્લું મૂકાયા બાદ વનવિભાગે 50 નવા ટુરિસ્ટ ગાઇડની ભરતી કરી છે, જે પૈકી 25 ગાઇડ મહિલાઓ છે. આ મહિલા ગાઇડ ગીર વિસ્તારની જ છે અને તે વિસ્તારના ભૂપૃષ્ઠ અને વન્યજીવનથી માહિતગાર છે.
ગીરમાં ટુરિસ્ટ ગાઇડ તરીકે અત્યાર સુધી પુરુષોની ભરતી જ કરવામાં આવતી હતી. ગીર અભયારણ્યને વિવિધ વિસ્તારમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં દેવળિયા ઝોનમાં ઓપન જીપ દ્વારા સિંહદર્શન કરાવવામાં આવે છે. દરેક ઓપન જીપ દીઢ એક ગાઇડ નિયુક્ત કરવામાં આવે છે. આ ઓપનજીપ આશરે બે કલાક સુધી પ્રવાસીઓને જંગલમાં ફેરવે છે. આવી એક ટ્રીપ દીઠ ગાઇડને રૃપિયા 400 મહેનતાણું ચૂકવવામાં આવે છે. દેવળિયા ઝોનમાં દરરોજ સરેરાશ 100 જેટલી ઓપન જીપ ટ્રીપ કરે છે. તેથી દરેક ગાઇડને દિવસની એકથી બે ટ્રિપ મળી રહે છે.
ંઆ ગાઇડની ભરતી પરીક્ષા દ્વારા કરવામાં આવી છે. મોટાભાગની મહિલાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધરાવતી હોવાથી તેમને પ્રવાસીઓ સાથે કેવી રીતે વાતચીત કરવી અને કઇ-કઇ માહિતી આપવી તેની તાલીમ આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવેલા નિષ્ણતો દ્વારા નવ દિવસની તાલીમમાં તેમને જંગલ તેમજ વન્યજીવન વિશેની માહિતી આપવામાં આવી હતી. પ્રવાસી કયા વિસ્તારમાંથી આવે છે અને તેને કયા પ્રકારની માહિતી આપવી તેની તાલીમ તેમને આપવામાં આવે છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત પ્રવાસી દ્વારા જ ભાષા બોલાતી હોય તેના કેટલાંક સામાન્ય શબ્દો અને શુભેચ્છાસૂચક શબ્દો શીખવાનું પણ તેમને કહેવામાં આવે છે.
જો કે મહિલા ગાઇડની ભરતીને હાલના તબક્કે પાઇલોટ પ્રોજેક્ટ કહી શકાય, કારણ કે મહિલા ગાઇડની ભરતી માત્ર દેવળિયા ઝોન પૂુરતી જ કરવામાં આવી છે. સમગ્ર સીઝન દરમિયાન પ્રવાસીઓ અને વિભાગના સારા અભિપ્રાય મળે તો ગીર અભયારણ્યના અન્ય વિસ્તારો માટે પણ મહિલા ટુરિસ્ટ ગાઇડની ભરતી કરવાની વનવિભાગની વિચારણા છે.