દ્વારકામાં દાઝી જતાં મહિલાનું, ટ્રેન હેઠળ યુવાનનું મૃત્યુ

જામખંભાળિયા તા,7
દ્વારકામાં અકળ રીતે દાઝી જતાં એક મહિલાનું અને દ્વારકા નજીક ટ્રેન હેઠળ આવી જતાં અજાણ્યા યુવકનું મૃત્યુ નિપજયું છે.
દ્વારકાની રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં રહેતા ભારતીબેન દિલીપભાઇ રવજીભાઇ ગોહેલ નામના 35 લાખના મહિલા ગઇકાલે મંગળવારે કોઇ અગમ્ય કારણોસર દાઝી જતાં તેમનું કરુણ મૃત્યુ નિપજયું હતું. આ બનાવની જાણ અજીજભાઇ મુળજીભાઇ ગોહેલે દ્વારકા પોલીસને કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ટ્રેન હેઠળ યુવાનનું મૃત્યુ
દ્વારકાથી આશરે સોળ કી.મી. દુર રેલવે ટ્રેક પરથી ગઇકાલે મંગળવારે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો હતો. આશરે વીસેક વર્ષની ઉંમરના આ અજાણ્યા યુવાનનું રાત્રીના સમયે ગોરીજા સ્ટેશનથી ઓખા મઢી સ્ટેશન તરફના રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ કપાઈ જવાના કારણે મૃત્યુ થયું હોવાની જાણ રેલવે કર્મચારી સંજયકુમાર તીલકકુમાર રામએ દ્વારકા પોલીસને કરતા પોલીસે મૃતક યુવાનના સગા-સંબંધીઓની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
વીજપોલ સાથે ટ્રકની ટક્કર: નુકસાની સબબ ફરીયાદ
દ્વારકાથી મીઠાપુર તરફના માર્ગે વરવાળા ગામ પાસેના બે વિજપોલ સાથે પુર ઝડપે અને બેફીકરાઈપૂર્વક જઇ રહેલા જીજે 3 બીવી 2649 નંબરના ટ્રકના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા આ બે વિજથાંભલા તુટી જતા પીજીવીસીએલને રૂા.43306નું નુકસાન થવા પામ્યું હતું. આટલું જ નહીં આ વિજપોલ નજીકમાં ભીમજીભાઇ અરજણભાઇના ટ્રેકટર પર પડતા તેમાં પણ રૂા.18 હજારનું નુકસાન થતા આ અંગે નાયબ ઈજનેર દિપેશભાઇ અરીલાએ ટ્રક ચાલક સામે દ્વારકા પોલીસમાં ધોરણસર ફરીયાદ નોંધાવી છે.