ગુજરાતમાં બે લાખ ગાંસડી કપાસની ઘટ

ઉત્પાદનમાં સૌથી વધુ નુકસાન ગુજરાતના ખેડૂતોને
રાજકોટ તા,7
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ 2018-’19ના કૃષિ વર્ષમાં દેશમાં ઓકટોબર મહિના માટે 343.25 લાખ ગાંસડી જેટલું કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ રજુ કર્યો છે. અગાઉ, 348 લાખ ગાંસડીના અપેક્ષિત અંદાજથી આ ઉત્પાદન 4 લાખ ગાંસડી ઓછી છે. આ ગણતરી 1 ગાંસડી 170 કિલો કપાસ લેખે કરવામાં આવેલી છે.
અહીં એ યાદ અપાવીએ કે, ગત 6ઠ્ઠી ઓકટોબરે ઔરાંગાબાદ ખાતે મળેલી દ્વિતિય કોન્ફરન્સમાં 348લાખ ગાંસડીનો જે અંદાજ વ્યકત કર્યો હતો તે હવે રિવાઈઝ કરી 343.25 લાખ જેટલી ગાંસડીની નવી ધારણા રજુ કરી છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો આગલા અંદાજ કરતા લગભગ બે લાખ ગાંસડી જેટલું ઉત્પાદન ઓછું થવાની શકયતા દર્શાવી છે.
કપાસની ખેતી કરતા અન્ય રાજ્યોનો અંદાજ પણ કોટન એસો.એ રજુ કર્યો છે અને તેમાં પણ આગલી ધારણા કરતા ઓછા ઉત્પાદનની વાત કરાઈ છે ; જે અનુસાર મહારાષ્ટ્રમાં એક લાખ ગાંસડી, કર્ણાકટમાં એક લાખ ગાંસડી જેટલુ ઓછું ઉત્પાદન થશે. કપાસનું ઉત્પાદન ઓછું થવા માટે વિપરીત હવામાનને કારણભૂત ગણવામાં આવેલ છે.
દરમિયાન ઓકટોબર - 2018માં 27 લાખ ગાંસડી કપાસના વપરાશ અને 2.50 લાખ ગાંસડી જેટલા કપાસની નિકાસ થવાનો અંદાજ રજુ કર્યો હતો. ઓકટોબરના અંતમાં 20.63 લાખ ગાંસડીનો સ્ટોક રહેવાની ધારણા હતી. જેમાં 16.53 લાખ ગાંસડી ટેક્સટાઈલ મિલો પાસે અને બાકીની 4.10 લાખ ગાંસડી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, એમ.એન.સી., ટ્રેડર્સ અને જીનર્સ વગેરે પાસે રહેવાનો અંદાજ હતો.
2018-’19માં 30મી સપ્ટેમ્બરે એટલે કે સીઝનના અંતે વાર્ષિક બેલેન્સ સીટ અનુસાર કોટન એસો.એ કુલ 390.25 લાખ ગાંસડી સપ્લાયનો અંદાજ રાખ્યો હતો. જેમાં 23 લાખ ગાંસડીના ઓપનિંગ સ્ટોકનો અંદાજ પણ સામેલ છે. નવી સીઝનની શરુઆતમાં આપાત 24 લાખની, જે ધારણા કરતા 9 લાખ ગાંસડી વધુ રહી છે, અને આગલી 2017-’18ની સીઝનની તુલનાએ આયાત 1.5 લાખ ગાંસડી હતી. કયા રાજ્યમાં કેટલી ઘટ
ગુજરાત 2 લાખ ગાંસડી
મહારાષ્ટ્ર 1 લાખ ગાંસડી
કર્ણાટક 1 લાખ ગાંસડી
ઓરિસ્સા 75 હજાર ગાંસડી સિઝનના અંતે 15 લાખ ગાંસડી સરપ્લસ
દેશમાં 2018-’19ની સીઝનના અંતે કપાસનો કુલ 15.25 લાખ ગાંસડી જેટલો જથ્થો ક્લોઝિંગ સ્ટોક સરપ્લસ રહેશે. આ સીઝનની શરુઆતમાં 23 લાખ ગાંસડીનો ખુલતો સ્ટોક હતો. જયારે સીઝનનું કુલ ઉત્પાદન 343.25 લાખ ગાંસડી અને આયાત 24 લાખ ગાંસડીની થતા કુલ સ્ટોક 390.35 લાખ ગાંસડીનો થયો હતો. જે ગત સાલ 416 લાખ ગાંસડીનો હતો. 343.25 લાખ ગાંસડીના પૂરવઠા સામેની માંગ જોઇએ તો મિલમાં વપરાશ 280 લાખ ગાંસડી, એસ.એસ.આઈ. યુનિટમાં વપરાશ 29 લાખ ગાંસડી અને મિલ સિવાયના અન્યમાં 15 લાખ ગાંસડી મળી કુલ 324 લાખ ગાંસડી થાય છે. આમ ઉપલબ્ધ સરપ્લસ 66.25 લાખ ગાંસડી જેમાંથી નિકાસ 51 લાખ ગાંસડી અને બંધ (ક્લોઝિંગ) સ્ટોક 15.25 લાખ ગાંસડી છે.