#Me Too: હોમગાર્ડના અફસર અને લેડી SIP સસ્પેન્ડ

અમદાવાદ તા.7
સુરત હોમગાર્ડમાં ફરજ બજાવતી 24 જેટલી મહિલાઓ સાથે જાતીય સતામણી સહિતના માનસિક ટોર્ચરના ચકચારભર્યા વિવાદમાં આખરે ઉચ્ચ સત્તાધીશો દ્વારા સુરત હોમગાર્ડના કમાન્ડીંગ ઓફિસર સોમનાથ ગહેરવાલ અને મહિલા સબ ઇન્સ્પેકટર ભાવના કંથારિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. હોમગાર્ડ વિભાગની આ શિક્ષાત્મક કાર્યવાહીને પગલે રાજયભરના હોમગાર્ડ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. તો, ઉપરી અધિકારી વર્ગમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. તાજેતરમાં પોતાના જ ઉપરી અધિકારીઓ (ઓફિસર કમાન્ડિંગ) દ્વારા તેઓનું શારીરિક માનસિક અને જાતિય શોષણ કરતાં હોવાના આરોપ સાથે સુરતની 24 જેટલી હોમગાર્ડ મહિલા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ કરવા પહોંચતાં ભારે વિવાદ જાગ્યો હતો અને સમગ્ર મામલો ગરમાયો હતો. ખાસ કરીને સુરત સહિત રાજયના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. સુરત પોલીસ કમિશનરે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ તપાસની હૈયાધારણ આપી હતી.