ઈમરાન ચીનમાં મદદ માગવા ગયાને પાક. ચેનલે બેઇજિંગનું બેગીંગ કરી નાખ્યું

  • ઈમરાન ચીનમાં મદદ માગવા ગયાને પાક. ચેનલે બેઇજિંગનું બેગીંગ કરી નાખ્યું

બીજીંગ તા.7
પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન હાલના દિવસોમાં ચીનની મુલાકાતે છે. પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટથી ઘેરાયેલું છે. એવું મનાઈ રહ્યું છે કે ઇમરાન ખાનનો આ ચીન પ્રવાસ આર્થિક સહાયતા માગવા માટે થઈ રહ્યો છે, પણ આ તેમના આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના સરકારી ટીવી પર કશુંક એવું થયું જેને લઈને પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલ ટ્રોલ્સ થવા માંડી અને પાકિસ્તાન સરકારે પણ મોટી શરમ અનુભવવી પડી. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન જ્યારે ચીનના એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાન સરકારી ટીવી પીટીવી ન્યૂઝ પર એનું સીધું પ્રસારણ કરવામાં આવતું હતું, પણ એ દરમિયાન ટીવી પર ચીનની રાજધાની બીજિંગને બદલે બેગીંગ (ભીખ માગવું) લખી નાખ્યું. જેવી લોકોની નજર આના પર પડી કે તરત જ લોકોએ સોશિયલ મીડિયા પર પીટીવીને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું.
બીજિંગને બદલે બેગીંગ લખેલું આશરે 20 સેક્ધડ સુધી પાકિસ્તાનના નેશનલ ટેલિવિઝન પર ચાલતું રહ્યું. જોકે એ પછી પીટીવીએ એના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ લખાણ માટે માફી માગી અને એને ટાઇપિંગની ભૂલ ગણાવી હતી. હવે ઇમરાન ખાન આર્થિક મદદ માટે ચીનના પ્રવાસે છે, ત્યારે કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ‘જાણીજોઈને કરવામાં આવેલી ભૂલ’ ગણાવી હતી. બીજી બાજુ પાકિસ્તાન સરકારે આ ભૂલને ગંભીરતાથી લીધી છે અને પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાદ ચૌધરીએ આ મામલે તપાસ કરવાનો આદેશ આપી દીધો છે.