બેલ્લારીની હાર ભાજપ માટે રેડ એલર્ટ

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ભાજપને લોકસભાની પેટાચૂંટણીઓ બહુ સદી નથી ને આ વાત કર્ણાટકમાં ફરી એક વાર સાબિત થઈ. કર્ણાટકમાં ત્રણ લોકસભા ને બે વિધાનસભાની પેટાચૂંટણી હતી. તેનાં પરિણામ કાળી ચૌદશના દાડે જ જાહેર થયાં ને આ પરિણામો ભાજપ માટે કાળી ચૌદશ જેવાં જ સાબિત થયાં. કર્ણાટક વિધાનસભાની બંને બેઠકો તો ભાજપે ખોઈ જ પણ લોકસભાની ત્રણ બેઠકોમાંથી બે બેઠકો પર પણ ભાજપની ભૂંડી હાર થઈ. કર્ણાટકમાં રામનગર ને જામખંડી એ બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી હતી જ્યારે બેલ્લારી, શિવમોગા અને માંડ્યા એ ત્રણ લોકસભા બેઠકોની પેટાચૂંટણી હતી. કર્ણાટકમાં હમણાં કોંગ્રેસ-જનતા દળ સેક્યુલરની સરકાર છે ને છ મહિના પહેલા કર્ણાટક વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં રામનગર ને જામખંડી એ બંને વિધાનસભા બેઠકો પર ભાજપ હારેલો. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી રામનગર બેઠક પરથી જીતેલા પણ એ બીજી બેઠક પરથી પણ જીતેલા તેથી તેમણે રામનગર બેઠક ખાલી કરેલી. તેમનાં પત્ની અનિતા કુમારસ્વામી આ બેઠક પરથી જીત્યાં છે. જામખંડી બેઠક પરથી એ વખતે કોંગ્રેસના સિદ્દુ ન્યામાગૌડા જીતેલા. એ ગુજરી ગયા તેમાં ખાલી પડેલી બેઠક પરથી કોંગ્રેસે તેમના દીકરા આનંદ સિદ્દુ ન્યામાગૌડાને મેદાનમાં ઉતારેલા ને એ આસાનીથી જીતી ગયા છે. આપણે ત્યાં સામાન્ય રીતે વિધાનસભાની પેટાચૂંટણીઓમાં જે પક્ષની સત્તા હોય એ પક્ષ જીતતો હોય છે. કર્ણાટકમાં તો બંને બેઠકો પહેલાં પણ જેડીએસ ને કોંગ્રેસ પાસે જ હતી તેથી ત્યાં તેમના ઉમેદવારો જીતે તેમાં નવાઈ નથી.
ભાજપ માટે એ રીતે વિધાનસભાનાં પરિણામો બહુ આંચકાજનક નથી પણ લોકસભાની પેટાચૂંટણીનાં પરિણામ ચોક્કસ આંચકાજનક છે કેમ કે લોકસભાની ત્રણમાંથી બે બેઠકો ભાજપ પાસે હતી ને તેમાંથી એક બેઠક ભાજપે ખોઈ છે. આ બેઠક પાછી ગમે તે બેઠક હોત તો વાંધો નહોતો પણ આ બેઠક પાછી બેલ્લારીની છે. માંડ્યા લોકસભા બેઠક 2014માં કુમારસ્વામીએ જીતેલી ને આ વખતે પણ તેમનો ઉમેદવાર જીત્યો છે તેથી ભાજપને આંચકો ના લાગે પણ બેલ્લારી છેલ્લાં 15 વર્ષથી ભાજપનો ગઢ હતો ને 2004થી સળંગ ભાજપ અહીં જીતતો હતો. સોનિયા ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યાં પછી 1999ની લોકસભા ચૂંટણીમાં તેમણે બેલ્લારી બેઠક પરથી ઝંપલાવેલું. ભાજપે સોનિયાને પછાડવા સુષમા સ્વરાજને મેદાનમાં ઉતારી દીધાં હતાં. સોનિયાને હરાવવા માટે ભાજપ જીવ પર આવી ગયેલો ને એમાં જે પણ મદદ કરે એ બધાંને પોતાના પડખામાં લીધેલા. બેલ્લારીમાં ખાણ માફિયા તરીકે કુખ્યાત રેડ્ડી બંધુઓની મદદ લેવામાં પણ ભાજપને શરમ નહોતી આવી. રેડ્ડી બંધુઓએ પણ પોતાનું વર્ચસ્વ જમાવવાની તક ઝડપીને સુષમાના આખા કેમ્પેઈનનો ખર્ચ ઉપાડી લીધેલો. આ બધા દાવપેચ પછી પણ ભાજપ સોનિયાને નહોતો હરાવી શક્યો પણ બેલ્લારીમાં ભાજપ ઘૂસી ગયો. આ ઘૂસણખોરી તેને પછીની ચૂંટણીઓમાં ફળી ને એ પછી સળંગ ત્રણ ચૂંટણીઓમાં ભાજપ જીત્યો. કોંગ્રેસ ને જેડીએસ બંનેએ ભેગાં મળીને આ ગઢ ધરાશાયી કરી નાંખ્યો છે ને ભાજપનું નાક વાઢી લીધું છે. બેલ્લારીની હાર ભાજપ માટે ફજેતારૂપ છે તો આ ભાજપમાં મોટા ભા ગણાતા
શ્રીરામુલુ ને તેમના ગોડફાધર રેડ્ડી બંધુઓ માટે વધારે શરમજનક છે કેમ કે આ પરિણામો એ વાતનો સંકેત આપે છે કે, બેલ્લારીમાં રેડ્ડી બંધુઓ ને શ્રીરામુલુ બંનેના દાડા ભરાઈ ગયા છે. ભાજપ જેમને મોટા ઉપાડે પાછા લઈ આવેલો એ યેદુરપ્પાએ પોતાના ગઢ શિવમોગામાં પોતાના દીકરા રાઘવેન્દ્રને જીતાડીને આબરૂ બચાવી લીધી પણ રેડ્ડી બંધુઓ ને શ્રીરામુલુ એ ના કરી શક્યા.
શ્રીરામુલુએ ભાજપને રામ રામ કર્યા પછી વિધાનસભામાંથી પણ રાજીનામું ધરી દીધેલું. રેડ્ડી બંધુઓનો બેલ્લારીમાં એવો વટ હતો કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં શ્રીરામુલુ બેલ્લારી બેઠક પરથી અપક્ષ તરીકે જીતી ગયેલા. ભાજપને લાગ્યું કે
શ્રીરામુલુ જેવો હીરો હાથથી ગયો એ ખોટું થયું એટલે 2014માં પાછા લીધા ને લોકસભાની ટિકિટ આપી. શ્રીરામુલુ લોકસભાની બેલ્લારી બેઠક પરથી પણ આસાનીથી જીતી ગયેલા. 2018ની વિધાનસભા ચૂંટણીમાં એ જીત્યા પછી તેમણે બેલ્લારી બેઠક ખાલી કરેલી. શ્રીરામુલુની બહેન જે. શાંતા ભાજપની ઉમેદવાર હતી ને એવું મનાતું હતું કે, શ્રીરામુલુના જોરે એ
સરળતાથી જીતી જશે. શાંતા 2009ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે જીતેલાં તેથી તેમની જીતમાં કોઈને શંકા નહોતી. કોંગ્રેસે તેની સામે ઉગરપ્પાને મૂકેલા ને ઉગરપ્પાએ બધાંનું નાક વાઢી લીધું. રેડ્ડી બંધુઓ ને શ્રીરામુલુના ગઢમાં બહારના માણસ ગણાતા ઉગરપ્પા બે લાખ કરતાં વધારે મતે જીતી ગયા. બેલ્લારીની પ્રજા રેડ્ડી બંધુઓ ને શ્રીરામુલુ જેવાં છાપેલાં કાટલાંથી ઉબાઈ ગઈ તેનું આ પરિણામ છે કે પછી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સાડા ચાર વરસમાં કશું ના ઉકાળ્યું તેની સામેનો આ આક્રોશ છે તે કહેવું મુશ્કેલ છે પણ ભાજપ માટે આ પરિણામો આંચકારૂપ છે ને ચેતવણીરૂપ પણ છે. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં જીતીને ફરી સત્તા પર આવવું હોય તો જે રાજ્યોમાં જોરદાર દેખાવ કરવો પડે તેમ છે તેમાં એક રાજ્ય કર્ણાટક પણ છે. કર્ણાટકમાં ભાજપ 2014માં 28માંથી 18 બેઠકો જીતેલો. આ વખતે વધારે બેઠકો ના જીતાય તો તેલ લેવા ગયું પણ એટલી બેઠકો જળવાય તો પણ ભયો ભયો એવી હાલત છે. બેલ્લારીનાં પરિણામ પછી ભાજપ એટલી બેઠકો પણ જીતશે કે કેમ તેમાં શંકા થઈ ગઈ છે. આ પહેલાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર જેવાં ભાજપનાં પોતીકાં કહેવાય તેવાં રાજ્યોમાં આવાં જ પરિણામ આવેલાં ને હવે કર્ણાટકમાં પણ એજ મોંકાણ મંડાઈ છે. ભાજપ માટે આ સારા સંકેત નથી.
કોંગ્રેસ પાસે વિધાનસભાની એક જ બેઠક હતી ને એ તેણે જાળવી છે ને સામે બેલ્લારી તેણે ભાજપ પાસેથી આંચકી લીધી છે તેથી આ પરિણામો કોંગ્રેસે ચોક્કસ હરખાવા જેવાં છે પણ મહત્ત્વની વાત બીજી છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં જેડીએસ સાથે હાથ મિલાવેલા ને એ વ્યૂહરચના તેને ફળી છે. આ પરિણામોના કારણે કોંગ્રેસ બીજા વિરોધપક્ષોને એક મેસેજ આપવામાં સફળ રહ્યો છે કે, ભાજપ સામે એક થઈને લડો તો તમને ધૂળચાટતો કરી શકાય છે. ભાજપ માટે ખરી ચિંતાની વાત એ જ છે.