CBI વિવાદના મૂળમાં ચિટ ફંડ કૌભાંડ

નવી દિલ્હી તા.7
દેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈ વિવાદમાં હવે પશ્ચિમ બંગાળ કનેક્શન સામે આવ્યું છે. સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનએ 25,000 કરોડ રૂપિયાના ચિટ ફંડ કેસની તપાસમાં કથિત રીતે સહયોગ ન કરવા બદલ કોલકાતા પોલીસ કમિશ્નર પર દબાણ કર્યું હતું. આ મામલે ડાયરેક્ટર આલોક વર્માએ અસ્થાનાને સવાલ-જવાબ કર્યા હતાં. બંને અધિકારીઓ વચ્ચે ગજગ્રાહનું આ જ સૌથી મોટું કારણ હોવાનું કહેવાય છે.
અસ્થાનાની દેખરેખ હેઠળ થઈ રહેલી તપાસ અંતર્ગત ગત વર્ષે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારને ત્રણ સમંસ પાઠવ્યા હતાં. જોકે તેમનું કહેવું હતું કે, સીબીઆઈનું એક્શન રાજકારણથી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે, ચિટ ફંડ કૌભાંડમાં તૃણમુલ કોંગ્રેસના અનેક હાઈપ્રોફાઈલ નેતાઓ પર આરોપો લાગ્યા હતાં અને સીબીઆઈ તેની તપાસ ચલાવી રહી હતી. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં કુમારે પહેલા સમંસનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તે મેલ કરવામાં આવેલા ક્વેસ્ચનેરનો જવાબ આપવા કે તેના પર કોઈ પણ બેઠકમાં શામેલ થવા તૈયાર છે. જોકે, સીબીઆઈ ઈચ્છતી હતી કે, તે તપાસ માટે પોતે હાજર રહે કારણ કે નોટિસ સીઆરપીસીના સેક્શન 160 અંતર્ગત મોકલવામાં આવી હતી.
કોલકાતા પોલીસના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, એક સપ્તાહની અંદર જ બીજું સમંસ પાઠવવામાં આવ્યું હતું. ત્યાર બાદ કુમારે ચાર વર્ષ જુની તપાસ પર રાજકીય પ્રભાવ પાડવાનો આરોપ લગાવતા ડાયરેક્ટરને પત્ર લખ્યો હતો. કુમારે સાવચેત કરતા કહ્યું હતું કે, જો સીબીઆઈ આવી જ નોટિસ ફટકારતી રહેશે તો ભાનુમતીના પટારા ખોલી દેવામાં આવશે.
સાત મહિના બાદ એક વધારે નોટિસ કુમાર અને અન્ય ત્રણ આઈપીએસ ઓફિસરને મોકલવામાં આવી હતી. માનવામાં આવે છે કે, આ પ્રકરણે વર્માને ભારે અપસેટ કરી દીધા હતાં કારણ કે, આ બધુ જ અસ્થાનાના કોલકાતા ગયા બાદ જ શરૂ થયું હતું. ઓગષ્ટ મહિનામાં જ અસ્થાનાએ વર્મા સામે કેબિનેટ સેક્રેટરીને લેખિત ફરિયાદ પણ કરી હતી.
કોલકાતા પોલીસના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, જો એજંસી કાયદાકીય વિકલ્પ પર આગળ વધત તો કુમાર સીબીઆઈને કોર્ટમાં ઢસડી જવાની તૈયારી કરી ચુક્યા હતાં. મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા રચવામાં આવેલી એસઆઈટીના એક ટોચના અધિકારી તરીકે કુમારે ચિટ ફંડ કેસની તપાસનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ સમગ્ર કેસ પોતાના હાથમાં લીધા બાદ સીબીઆઈએ આશંકા વ્યક્ત કરી હતી કે એસઆઈટી તપાસ દરમિયાન મહત્વપૂર્ણ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈની લોકલ યૂનિટનો એક રિપોર્ટ આલોક વર્માના ટેબલ પર લગભગ 5 મહિના સુધી ધૂળ જ ખાતો રહ્યો. કોલકાતાના ટોચના અધિકારીએ દાવો કર્યો હતો કે રાજકીય કારણોસર સીબીઆઈ કોલકાતા પોલીસ કમિશ્નરને ઘેરવા માંગતી હતી. આ અધિકારી નોટિસ ફટકારવાને ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગિય દ્વારા જાહેરમાં કરવામાં આવેલા દાવાઓને પણ સાર્થક કરતા હતા. ત્યાર બાદ સીબીઆઈ પશ્ચિમ બંગાળ પોલીએસના ડીજીનો પણ સંપર્ક કર્યો હતો. કોલકાતાથી સલાહ આપવામાં આવી કે આ મામલે ચર્ચા કરવા એક બેઠકનું આયોજન કરવામાં આવે, જ્યારે સીબીઆઈને આ વાત માન્ય નહોતી. સીબીઆઈ તપાસની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે, તપાસ અટકાવી દેવામાં આવી હતી કારણ કે લોકલ સીબીઆઈ ટીમ દ્વારા મોકલવામાં આવેલો સંવેદનશીલ રિપોર્ટ પર છેલ્લા પાંચ મહિનામાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. કહેવામાં આવે છે કે આ રિપોર્ટમાં અનેક પ્રત્યક્ષ સાક્ષીઓ અને શંકાસ્પદ દસ્તાવેજો હતા, જેનાથી ઝખઈના અનેક નેતાઓ સુધી તપાસનો રેલો પહોંચી શકતો હતો. હાલ શાદરા અને રોઝ વેલી કેસમાં સીબીઆઈ 81 અને ઈડી લગભગ 12 ચાર્જશીટ દાખલ કરી ચુકી છે. આ કેસમાં કુલ 179 લોકોમાંથી લગભગ 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.